નવી દિલ્હી,તા. 24 : કોરોના સંકટમાં ગ્રાહકોની કમાણી ભલે ઘટી ગઇ હોય પરંતુ સોનાની ખરીદીને લઇને તેમનો પ્રેમ યથાવત રહ્યો છે.હાલની પરિસ્થિતિમાં તેઓ બજારમાં જઇને ખરીદી કરવાના બદલે ઘરે બેસી ઓનલાઈન સોનાની (ઇ-ગોલ્ડ) ખરીદી કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે.કોરોના શરુ થયા પછી ઇ-ગોલ્ડની માગમાં 50 ટકાનો વધારો નોંધાયો છે.જો કે તેને પગલે બુલિયન વેપારીઓ એટલે કે જ્વેલર્સની સમસ્યા વધી છે.
નિષ્ણાંતોનું કહેવું છે કે ઓનલાઈન સોનાના વેંચાણમાં જાણીતી અને વિશ્વસનીય કંપનીઓ હોવાથી તથા ઘણી ઓછી કિંમતે સોનુ ખરીદવાની સુવિધા મળતી હોવાથી ગ્રાહકોનું ઇ-ગોલ્ડ પ્રત્યે આકર્ષણ વધ્યું છે.ભારતમાં ઇ-ગોલ્ડ એટલે કે ડિજીટલ ગોલ્ડમાં 3 કંપનીઓ વેપાર કરી રહી છે.સરકારી ક્ષેત્રની એમએટીસી કંપની અને સ્વિટઝર્લેન્ડની એમકેએસ પીએએમપી સંયુક્ત રીતે એમએમટીસી-પીએએમપી દ્વારા ઇ-ગોલ્ડનું વેચાણ કરી રહી છે જ્યારે સેફ ગોલ્ડ સાથે ડીજીટલ ગોલ્ડ ઇન્ડીયા ઇ-ગોલ્ડમાં વેપાર કરી રહી છે તો અવુગમઉંટ ગોલ્ડ પણ ઇ-ગોલ્ડ બજારમાં વેપાર કરી રહી છે.
આ ત્રણેય ઇ-ગોલ્ડ કંપનીઓએ ભારતમાં અનેક ઇ-વોલેટ કંપનીઓ સાથે કરાર કર્યા છે જેના દ્વારા ગ્રાહકો સોનાની ખરીદી કરી શકે છે. જેમાં પેટીએમ, ગુગલ પે, કુબેરા, ફોન પે અને એમેઝોન પે સહિતના અનેક નામોનો સમાવેશ થાય છે. બજાર નિષ્ણાંતોના જણાવ્યા મુજબ ઇ-ગોલ્ડથી મોટી કંપનીઓની સાથે ગ્રાહકોને પણ લાભ થઇ રહ્યો છે.તો બીજી બાજુ જ્વેલર્સ અને કારીગરોની મુશ્કેલીમાં વધારો થઇ રહ્યો છે.
ઇ-ગોલ્ડ ખરીદીથી કંપનીઓ તમને ગરે સોનુ પહોંચાડવાની સુવિધા આપે છે.જો કે તેનો જથ્થો નકકી હોય છે એ નક્કી જથ્થામાં સોનુ ખાતામાં જમા થઇ ગયા પછી તમે તેને તમારી ઘરે મંગાવી શકો છો. જેના માટે કંપની વધારાનો ચાર્જ વસૂલે છે.તમે જે સોનુ ઇ-ગોલ્ડ મારફતે ખરીદો છો તેને કંપની પોતાના લોકરમાં રાખે છે અને તેના માટે પણ કંપની ખરીદદાર પાસેથી ચાર્જ વસૂલે છે.
ઇ-ગોલ્ડ અંતર્ગત ખરીદવામાં આવેલુ સોનુ મર્યાદિત સમયની અંદર તે કંપનીને વેચી પણ શકાય છે જેમાં માત્ર માર્જીન ચાર્જ ચૂકવવાનો હોય છે જે 2 થી 3 ટકા સુધીનો હોય છે.જો કે આ અંગે નિષ્ણાતોના જણાવ્યા મુજબ,સાઈબર હુમલાની સ્થિતિમાં અકાઉન્ટ હેક થઇ જવાથી ગ્રાહકોનાં નાણાં ડૂબવાનુ જોખમ કાયમ રહે છે. નકલી વેબસાઈટ મારફતે પણ ગ્રાહકો સાથે છેતરપીંડી થવાની શક્યતા રહે છે.
પેટીએમ સહિતનાં અનેક ઇ-વોલેટ 1 રુપિયામા સોનુ ખરીદવાનો વિકલ્પ આપી રહ્યા છે.ઇ-ગોલ્ડમાં મેઇન્ટેનન્સ અને ખરીદ-વેચાણ માટે 2 થી 3 ટકા ચાર્જ વસૂલવામાં આવે છે.ઇ-ગોલ્ડની ખરીદી પર 3 ટકા જીએસટી ચૂકવવો પડે છે


