મુંબઇ : RBIના આંકડા મુજબ 14મી ઓગસ્ટના રોજ સમાપ્ત થયેલા સપ્તાહના અંતે ભારતની તમામ બેન્કોનું કુલ ધિરાણ 5.52 ટકા વધીને રૂ.102.19 લાખ કરોડે પહોંચી ગયુ છે.તો સમીક્ષાધીન સમયગાળામાં બેન્કોમાં રહેલી થાપણો 11.04 ટકાની વૃદ્ધિમાં 140.80 કરોડ રૂપિયા થઇ હતી.
જ્યારે વર્ષ પૂર્વેના સમાન સમયગાળામાં બેન્કોનું કુલ ધિરાણ અને તેમની પાસે રહેલી કુલ થાપણ અનુક્રમે રૂ. 96.84 લાખ કરોડ અને રૂ. 126.8 લાખ કરોડ નોંધાયા હતા.જ્યારે તેની અગાઉના સપ્તાહમાં બેંકોનું ધિરાણ 5.51 ટકા અને થાપણમાં 11.11 ટકાનો વધારો નોંધાયો હતો.
વાર્ષિક તુલનાએ સમીક્ષાધીન સમયગાળામાં બેન્કોનું નોન-ફૂડ ક્રેડિટ જૂન મહિનામાં 6.7 ટકા વધ્યુ છે,જે મે મહિનાની સમકક્ષ છે.જો કે જૂન 2019ના 11.1 ટકાની સરખામણીએ ઓછું છે.
RBIના આંકડા મુજબ જૂન મહિનામાં બેન્કો દ્વારા ઔદ્યોગિક ક્ષેત્રે આપેલું ધિરાણ 2.2 ટકા વધ્યુ છે જ્યારે જૂન 2019માં તેમાં 6.4 ટકાની વૃદ્ધિ થઇ હતી.મોટા ઉદ્યોગોને આપેલા ધિરાણની રકમ 3.7 ટકા વધી છે જ્યારે તે અગાઉ તેમાં 7.6 ટકાનો વધારો થયો હતો.
સર્વિસ સેક્ટર માટે બેન્કો દ્વારા ધિરાણની ઉપલબ્ધ એકંદરે સારી રહી છે.જૂન 2019માં સર્વિસ સેક્ટરમાં બેન્કોનું ધિરાણ 13 ટકા વધ્યુ હતુ જે જૂન 2020માં 10.7 ટકા વધ્યુ છે.
વ્યક્તિગત લોન સેગમેન્ટમાં પણ ધિરાણની કામગીરી એકંદરે સારી રહી છે જૂનમાં પર્સનલ લોન ફાળવણીમાં 10.5 ટકાનો વધારો થયો છે જો કે તે મે મહિનાના 16.6 ટકાની તુલનાએ નીચો વૃદ્ધિદર છે.


