રાજકોટ,તા.3 : ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત થયેલા હાર્દિક પટેલે આજે રાજકોટમાં ભાજપને પ્રથમ આંચકો આપતા રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના મહિલા કોર્પોરેટર દક્ષાબેન ભેસાણીયાને કોંગ્રેસનો ખેસ પહેરાવી દીધો છે.
આજે રાજકોટ આવેલા હાર્દિક પટેલે સવારે યોજેલી એક પ્રેસ કોન્ફરન્સમાં વોર્ડ નં. 5ના ભાજપના કોર્પોરેટર દક્ષાબેન ભેસાણીયા અને તેમના પતિ અરવિંદભાઈ ભેસાણીયા સહિતનાં તેમના વોર્ડનાં સેંકડો કાર્યકરો કોંગ્રેસમાં ભળી ગયા છે.
આમ હાર્દિકે રિવર્સ ઓપરેશન કરતાં અને તે પણ મુખ્યમંત્રીના ગઢ જેવા વિસ્તારમાં કોર્પોરેટરને કોંગ્રેસમાં ભેળવીને ભાજપને સીધો પડકાર ફેંકી દીધો છે.હાર્દિકે પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કર્યું હતું કે હજુ અનેક અગ્રણીઓ અને કોર્પોરેટરો આગામી ચૂંટણી પૂર્વે કોંગ્રેસનો ખેસ પહેરશે. લોકોનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓનો ભાજપ પ્રત્યેનો ભ્રમ ભાંગતો જાય છે.
ભાજપ આ પક્ષાંતર પર કોઇ ફરિયાદ કરી શકે તેવી સ્થિતિમાં નથી.કારણ કે આ તેમનું જ હથિયાર હવે બૂમરેંગ થઇ રહ્યું છે.હાર્દિક પટેલની હાજરીમાં વોર્ડ નં. 5ના સેંકડો કાર્યકર્તાઓએ કોંગ્રેસનો ખેસ પહેર્યો હતો.


