સુરત પાસેના કામરેજ તાપી નદીના પૂલ પરથી નદીમાં મોતની છલાંગ લગાવીને રત્નકાલાકર વિકાસ સંધના પ્રમુખ જયસુખ ગજેરાએ આત્મહત્યા કરી છે.આ ઘટનાની જાણ થતા જ કામરેજ પોલીસ તથા ફાયરની ટીમ નદી સુધી પહોંચી ગઈ હતી.સ્થાનિકો સહિત તંત્રએ પણ તપાસ શરૂ કરતા નદીમાંથી જયસુખ ગજેરાનું શબ મળી આવ્યું હતું. તેમણે આર્થિક સંકડાશને કારણે આ પગલું ભર્યું હોવાનું ચર્ચાય રહ્યું છે.જોકે,હજુ સુધી આત્મહત્યા કર્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.
જયસુખ ગજેરાએ બુધવારે રાત્રે ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ સાથે વાતચીત કરી પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું.રાત્રે એમનો ફોન પર સંપર્ક કરવામાં આવ્યો હતો પણ ફોન પર કોઈ સંપર્ક થયો ન હતો.આ પછી પરિવારના લોકોએ શોધખોળ શરૂ કરી હતી.તપાસ કરતા એમનું બાઈક અને ચંપલ કામરેજના બ્રીજ પાસેથી મળી આવ્યા હતા.ત્યાર બાદ નદીમાંથી એમનો મૃતદેહ મળ્યો હતો.વર્ષોથી જયસુખ ગજેરા રત્નકલાકારોના પ્રશ્નોના ઉકેલ લાવવા માટે પ્રયત્નો કરતા હતા.
જ્યારે રત્ન કલાકારોને નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવે ત્યારથી લઈને ફરીથી નોકરી પર રાખવા સહિતના અનેક મુદ્દાઓ પર રત્નકલાકારોનું સમર્થન કરતા હતા. આ ઉપરાંત એમને વતન જવા માટે ટ્રેન,રહેવા માટે ભાડે મકાન,આરોગ્યની સુવિધા સહિત અનેક એવી પાયાની સવલત માટે મદદ કરતા હતા.જ્યારે સરકારે હાઈકોર્ટમાં કોરોના ફેલાવવા માટે રત્ન કલાકારોને જવાબદાર ગણાવ્યા ત્યારે સરકાર સામે જઈ તેમણે હાઈકોર્ટમાં કેસ લડવાની તૈયારી પણ બતાવી હતી.આ માટે તેઓ તૈયારી પણ કરી રહ્યા હતા.
આ અંગે જાણવા મળતી વિગત અનુસાર જયસુખ ગજેરા છેલ્લા ઘણા સમયથી આર્થિક સંકડાશનો સામનો કરી રહ્યા હતા.એવું એમના નજીકના લોકો જણાવી રહ્યા છે. આ ઉપરાંત રત્ન કલાકાર વિકાસ સંઘની ઓફિસનું ભાડું પણ ઘણા સમયથી ભરી શક્યા ન હતા.કોરોના વાયરસને કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનથી એમની આર્થિક સ્થિતિ નબળી થઈ ગઈ હોવાનું ચર્ચામાં છે.ત્રણ દિવસ પહેલા સુરતના જ એક નેતા દુર્લભભાઈ પટેલે પણ આ રીતે નદીમાં મોતની છલાંગ લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.તેમણે સરકાર સામે એવો પણ આક્ષેપ કર્યો હતો કે,સરકારે રત્ન કલાકારોને બદનામ કરવા માટે એક યોજના બનાવી છે.


