અમદાવાદ તા.17 : શહેરના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનની પીસીઆર વાનમાં ફરજ બજાવતા 3 પોલીસમેન ટામેટાંના વેપારી પાસેથી રૂ. 100 ની લાંચ લેતા એસીબીના છટકમાં રંગેહાથ ઝડપી લીધા છે.આશ્ચર્યની વાત એ છે કે,આ ત્રણેય પોલીસમેન લાંચની રકમમાંથી રૂ.33-33 ની ભાગ બટાઈ કરવાના હતા.
જાણવા મળતી વિગતો મુજબ અમદાવાદના જમાલપુરમાં માર્કેટ યાર્ડ શરૂ થયા બાદ ત્યાં બહારથી માલ લઈને આવતા વેપારીઓને સ્થાનિક પોલીસ દ્વારા હપ્તાની માગણી કરી પરેશાન કરવામાં આવતા હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી.દરમિયાન એક શાકભાજીના વેપારીએ એસીબીનો સંપર્ક સાધ્યો હતો.
આ અંગે વેપારીઓએ એસીબીને ફરિયાદ કરતા બુધવારે વહેલી સવારે એસીબી પીઆઈ કે.પી. તરેટીયા અને સ્ટાફે જમાલપુર જગન્નાથ મંદિર ના ગેટ નંબર 4 પાસે લાંચની છટકું ગોઠવ્યું હતું.વેપારી ટામેટા ભરેલી વાહન લઈને આવ્યા હતા.તે વખતે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનની પીસીઆર વાનમાં ફરજ બજાવતા પીસીઆર ઓપરેટર પ્રભુદાસ નાનજીભાઈ ડામોર,(રહે. રાણીપ પોલીસ લાઈન), હેડ કોન્સ્ટેબલ ક્રિશ્ના અરવિંદભાઈ બારોટ (રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ, બાપુનગર) અને પોલીસ કોન્સ્ટેબલ દિલીપ ચંદ્ર ગુલાબ ચંદ્ર બારોટ (રહે. આર્ય રેસિડેન્સી, સૈજપુર નરોડા રોડ) વાહન ઉભું રખાવી રૂ.100ની હપ્તા પેટે સ્વીકારતા જ પોલીસે ત્રણેયને રંગેહાથ ઝડપી લીધા હતા.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ ટમેટાના વેપારી પાસેથી રૂ.100 ની લાંચ લેનાર ત્રણેય પોલીસમેન લાંચની આ રકમમાં રૂ.33-33 માં ભાગબટાઈ કરવાના હતા.સરકારી નોકરીમાં સારો એવો પગાર મેળવવા છતાં 33 રૂપિયાની લાલચમાં ત્રણેય પોલીસમેને નોકરી પણ જોખમમાં મૂકી દીધી છે.


