‘માલ’ એટલે શું ? દીપિકાની પૂછપરછમાં પ્રશ્નોનો મારો : શ્રધ્ધા કપૂર અને સારા અલી ખાન પણ બ્યુરો ઓફીસે પહોંચ્યા

338

મુંબઈ,તા. 26 : બોલીવુડના અભિનેતા સુશાંતસિંહ રાજપુતના અપમૃત્યુ બાદની તપાસમાં જે રીતે ફિલ્મી દુનિયાનું ડ્રગકાંડ ખુલી રહ્યું છે તેમાં ટોચની અભિનેત્રી દીપિકા પાદુકોણે હાલ નાર્કોટિક બ્યુરોની મુંબઈ સ્થિત ઓફીસે પૂછપરછનો સામનો કરી રહી છે અને તેની પાછળ જ સારા અલી ખાન અને શ્રધ્ધા કપૂર પણ નાર્કોટિક ઓફીસે પહોંચી છે.

દીપિકાની સેક્રેટરી કરિશ્માને પણ આજે બોલાવાઈ છે અને માનવામાં આવે છે કે નાર્કોટિક બ્યુરો આ ડ્રગ નેટવર્કમાં માસ્ટર માઈન્ડ કોણ છે તે અંગે ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. મોટાભાગના ફિલ્મ સેલેબ્રેટીઓ કોઇને કોઇ પ્રકારનો નશાનો શિકાર બનતા જ હોય છે.દીપિકાની 2017ની ડ્રગ ચેટ બહાર આવ્યા બાદ તેની મેનેજર કરિશ્મા પાસેથી ‘માલ હૈ ક્યા’ તેવા પ્રશ્ન સાથે વોટ્સએપમાં ડ્રગ માગ્યું હોવાનું માનવામાં આવે છે.જો કે દીપિકાની સેક્રેટરીએ પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું હતું કે દીપિકાએ કદી ડ્રગ માંગ્યું નથી કે તે ડ્રગનું સેવન પણ કરતી નથી. તે પોતાના સ્વાસ્થ્ય અંગે અત્યંત જાગૃત છે.આમ દીપિકાનો બચાવ શરુ થયો છે.

પરંતુ તે કેટલો સમય સુધી પ્રશ્ર્નનો સામનો કરી શકશે તેના પર જ સૌનુ ધ્યાન કેન્દ્રીત થયું છે અને આગામી સમયમાં આ પૂછપરછ મોટા ધડાકા કરે તેવી પણ શક્યતા છે.ડ્રગકાંડમાં જે રીતે બોલીવુડના અનેક સેલેબ્રેટીઓના નામ આવી રહ્યા છે તે જોતા અનેક જાણીતા ચહેરાઓ માટે મુશ્કેલી વધે તેવા સંકેત છે.

Share Now