ગુજરાત સરકારે 2020-21ના વર્ષનું સામાન્ય અંદાજપત્ર તો વિધાનસભામાં મંજૂર કર્યું છે પરંતુ બજેટમાં જે રકમ ફાળવવામાં આવી છે તે પૂરેપુરી ખર્ચાશે નહીં,કારણ કે કોરોના સંક્રમણમાં વેરાની આવક ઘટી જતાં સરકાર આર્થિક સંકટનો સામનો કરી રહી છે.
ગુજરાતની બજેટેડ યોજનાના કામોમાં કરકસર જાળવવા રાજ્યના નાણાં વિભાગે આદેશ કર્યો છે.સરકારના તમામ વિભાગોને એક આદેશમાં કહેવામાં આવ્યું છે કે નવી યોજનાઓ અથવા નવા કામો હાથ પર લેતાં પહેલાં કેટલીક શરતોનું પાલન કરવાનું રહેશે.એક કરોડ સુધીના અંદાજીત કામો વર્ષની અંદર પુરાં કરવા માટેની મંજૂરી આપી દેવામાં આવી છે.એક કરોડ થી પાંચ કરોડના કામોમાં માત્ર 50 ટકા રકમ અને પાંચ કરોડ થી વધુ ખર્ચના કામોમાં 33.33 ટકા રકમ ફાળવવાની સૂચના વિભાગોને આપવામાં આવી છે.
નાણા વિભાગે એવું પણ કહ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓમાં લોનના હિસ્સાની રકમ આ વર્ષે મળવાની નથી તેથી આવતા વર્ષમાં તે જોગવાઇ સૂચવવામાં આવે તે ઇચ્છનિય છે.નાણા વિભાગે આ સાથે આગામી વર્ષ 2021-22ના વર્ષના અંદાજો તેમજ વર્તમાન નાણાંકીય વર્ષના સુધારેલા અંદાજો તૈયાર કરવાની સચિવાલયના વિભાગોને સૂચના આપી છે જેમાં આ પ્રમાણેની કરકસર કરવામાં આવી રહી છે.
આ અંદાજો વિભાગોએ 15મી ઓક્ટોબર થી 16મી ડિસેમ્બર દરમ્યાન ચાર તબક્કામાં નાણાં વિભાગને મોકલવાના રહેશે જેમાં સ્થાયી ખર્ચના અંદાજ,100 ટકા કેન્દ્રીય પુરસ્કૃત યોજનાઓ,કેન્દ્રીય પુરસ્કૃત શેરીંગ પેટર્નની યોજનાઓ,રાજ્યની ચાલુ યોજનાઓ,સુધારેલા અંદાજ અને નવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.


