– કોંગ્રેસને પ્રજા પાસે જવા માટે મુદાઓની કમી નથી પણ તેની આંતરિક નબળાઈ જ ભાજપને માટે ફાયદો
– મોરબી-ધારી-ગઢડામાં ભાજપનો અસંતોષ સામે આવી ગયો છે: રૂપાણી માટે વધુ પેટાચૂંટણી પરાજય ન આવે તે ચિંતા
– પાટીલને પ્રથમ પરીક્ષામાં જ કોંગ્રેસના ચહેરાઓ માટે પ્રચાર કરવો પડશે: 182 બોલાયું છે તો બતાવવું પડશે
– સરકારી મશીનરી કામે લાગી જ ગઈ છે: દરેક બેઠક સાથે એક મંત્રીને ‘એટેચ’ કરી દેવાયા
રાજકોટ: ગુજરાતમાં ધારાસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી જાહેર થઈ છે અને ભાજપે ‘કમલમ’માં બેઠકોનો દૌર શરુ કર્યો છે તથા તેની પુર્વ નિર્ધારીત ઈલેકશન મશીનરીને ગીયરઅપ કરી દીધી છે.આમ કરીને તમામ આઠ બેઠકો સાથે ભાજપે રૂપાણી સરકારના એક મંત્રીને પ્રભારી કે ઈન્ચાર્જ તરીકે મુકીને જે કઈ સરકારી ઈસ્યુ હોય તે ઉકેલવાના આદેશો આપી દીધા છે.
ખાસ કરીને આ ચૂંટણી જીતવી એ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ બન્ને માટે વ્યક્તિગત પ્રતિષ્ઠાનો જંગ બની ગયો છે તેથી કોઈ કસર છોડાશે નહી તે નિશ્ચિતછે.છેલ્લે છ બેઠકોની જે પેટાચૂંટણી રાજયસભા ચૂંટણી સમયે પક્ષપલટાથી યોજાઈ હતી તેમાં ભાજપને કોંગ્રેસના દિગ્ગજ અલ્પેશ ઠાકોર તથા તેના ખાસ સાથીદાર ધવલસિંહ ઝાલાને કમળના નિશાન પર ચૂંટણી જીતાડવામાં નિષ્ફળતા મળી હતી અને પક્ષના સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપમાં જે રીતે કોંગ્રેસના અગ્રણીઓને પક્ષ પલટો કરાવીને રાતોરાત મંત્રી પદ આપવાના ત્રણ કેસ બન્યા છે તેની સામે પક્ષના કાર્યકર્તાઓ અને સ્થાનિક નેતાઓનો અસંતોનું પ્રથમ ફાયરીંગ હતું પણ રાજયસભામાં બહુમતી જરૂરી છે તે નિશ્ચિતથતા ભાજપે પક્ષપલટા માટે ચહેરો કે ચરીત્ર જોયા વગર જ જે રીતે પક્ષપલટા કરાવ્યા તે પછી ગુજરાતમાં આ પ્રથમ પેટાચૂંટણી છે અને તે રીતે મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસના 22 ધારાસભ્યોને ફરી ચૂંટાવી દેવાની જવાબદારી સ્થાનિક ભાજપ પર આવી છે.
પક્ષના એક ટોચના નેતાએ કોમેન્ટ કરી કે પહેલા આ ચહેરાઓને હરાવવાની જવાબદારી હતી.હવે તેને જીતાડવાની જવાબદારી છે.કમળના નામે બધું ઓકે છે તેવું મોવડીમંડળ કહે છે. જો સૂત્રોના જણાવ્યા મુજબ જે આઠ બેઠકો છે તેમાં ઓછામાં ઓછી છ બેઠકો પર કોંગ્રેસના જ ચહેરા કમળ સાથે પ્રજા પાસે આવશે.જો કે અગાઉ પાંચ માસ પુર્વે ધારાસભ્ય બ્રિજેશ મેરજા (મોરબી), જે.વી.કાકડીયા (ધારી), જીતુ ચૌધરી (કપરાડા) પ્રદ્યુમનસિંહ જાડેજા (અબડાસા) અને અક્ષય પટેલ (કરજણ) ભાજપમાં વિધિવત જોડાયા છે અને તેમને ટિકીટ ક્ધફર્મ છે તેવો દાવો કરે છે પણ હજું સોના પટેલ (લીંબડી) મંગલ ગાવિત (ડાંગ) અને પ્રવિણ પારૂ (ગઢડા) એ ભાજપનો ખેસ પહેર્યો નથી તેથી એવું માનવામાં આવે છે કે તેમને ટિકીટ સિવાય બીજું કંઈક મળી શકે છે અથવા મળી પણ ગયુ હશે પણ ડાંગમાં ભાજપને તેના ઉમેદવારથી ચૂંટણી જીતી શકાશે નહી તે નિશ્ચિતજાણતા હવે મંગલ ગાવીતને ફરી ટિકીટ આપશે તેવા સંકેત છે.જયારે બે પરાજીત પુર્વ મંત્રીઓ કિરીટસિંહ રાણા (લીંબડી) અને આત્મારામ પરમાર (ગઢડા)ને ભાજપ ફરી નસીબ અજમાવવા કહેશે.જો કે ભાજપના અનેક સ્થાનિક નેતાઓ આ બેઠકો માટે દાવેદારી કરે છે તેઓને ટિકીટ નહી મળે તો શું ડેમેજ કરશે તે પ્રશ્ન છે.લીંબડીના પુર્વ ધારાસભ્ય સોમાભાઈ પટેલને તેના પુત્રને ગોઠવવાની ચિંતા છે અને તેથી તેઓએ લીંબડી બેઠક જતી કરી છે.પ્રવિણ મારૂ એ કોઈ અન્ય કારણોસર (અને પ્રજામાં ચર્ચાય છે તેવા) બલીદાન આપ્યું છે.
પ્રશ્ન એ છે કે ભાજપ તમામ આઠ બેઠકો જીતી શકશે? તેનો આધાર કોંગ્રેસ પક્ષ ચૂંટણી લડવા માટે જણાવે છે તેના પર છે.ચૂંટણીમાં મુદાઓની કમી નથી પણ સૌથી મોટો મુદો કોંગ્રેસના ઉમેદવાર અને ભાજપના સ્થાનિક નેતાઓનો અસંતોષ બની રહેશે જે મોરબીથી શરૂ થયો જ છે.ધારીમાં જીલ્લાના દિગ્ગજો જે સાઈડલાઈન થયા છે અથવા તેઓને અગાઉ ચૂંટણીમાં પરાજીત કરાયા છે.તેઓની ભમિકા પર ભાજપે ‘વોચ’ મુકી દીધી છે.લીંબડીમાં ભાજપના દલિત નેતા અને રાજયસભાના પુર્વ સાંસદ શંભુપ્રસાદ ટુંડીયાએ દાવો કર્યાની ચર્ચા છે અને ભાજપે તેમને ગંભીરતાથી લેવા જ પડશે.
ગઢડામાં આત્મારામ પરમારે પક્ષ હજુ ઉમેદવાર તરીકે જાહેર કરે તે પુર્વે જે રીતે બેઠકોનો દોર અને ચૂંટણી લડવાની ગતિવિધિ ચાલુ કરી તેનાથી પક્ષના મોવડીઓ પણ ચોકયા હતા અને કોઈ ખોટો સંદેશ નહી આપવા તાકીદ કરી હતી.પક્ષમાં ચર્ચા એ પણ છે કે પ્રમુખ સી.આર.પાટીલ ને તેમની પ્રથમ પરિક્ષામાં જ કોંગ્રેસના અગ્રણીઓને ચૂંટાવી દેવા પડશે.પાટીલે 182 બેઠકો 2022માં જીતવાનો જે લક્ષ્યાંક આપ્યો છે.તે જોતા આ આઠમાંથી એક પણ બેઠક ઓછી આવે તો તે પ્રથમ પીછેહઠ હશે.


