મુંબઈ, તા.15 : દેશમાં છેલ્લા થોડા દિવસોથી ડુંગળીના ભાવ આસમાનને આંબી રહ્યા હોવાથી જથ્થાબંધ વેપારીઓ ડુંગળીનો સંગ્રહ કરીને કૃત્રિમ અછત ઉભી કરી રહ્યા હોવાની આશંકાને પગલે નાસિકમાં આવકવેરા વિભાગે દરોડા કાર્યવાહી કરી હતી.નાસિક ડુંગળી સપ્લાયનું મુખ્ય મથક ગણાતું હોય અહીંથી જ કંઈક ગેરરીતિ આચરવામાં આવી રહી હોવાની શંકાને પગલે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
નાસિકના લાસલગાંવમાં જથ્થાબંધ ડુંગળીનો ભાવ 4800 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ પહોંચી ગયો હતો જેના કારણે નાના વેપારીઓ ડુંગળી ખરીદવાનું ટાળી રહ્યા હોવાથી બજારમાં ડુંગળીની સપ્લાયને અસર પહોંચી હતી.બીજી બાજુ જથ્થાબંધ વેપારીઓએ ડુંગળીનો સ્ટોક કરી નાખતાં બજારમાં કૃત્રિમ અછત ઉભી થવા પામી હતી જેના કારણે લાસલગાંવ ડુંગળી બજારમાં ભાવ 4800 રૂપિયા આસપાસ પહોંચી ગયો હતો.છેલ્લા થોડા મહિનાઓથી ભાવ વધી રહ્યો હોવાને કારણે સરકારને પણ શંકા ગઈ હતી કે જથ્થાબંધ વેપારીઓ કંઈક ગરબડ કરી રહ્યા છે.
આ શંકાને પગલે આવકવેરા વિભાગે લાસલગાંવ માર્કેટમાં ડુંગળીના અનેક જથ્થાબંધ વેપારીઓને ત્યાં દરોડા પાડી તેમની આવક-જાવકના હિસાબોની ચકાસણી શરૂ કરી હતી.જો કે આ વેપારીઓને ત્યાંથી શું ગેરરીતિ પકડાઈ તેની સ્પષ્ટતા કરવામાં આવી નથી.અત્રે ઉલ્લેખનીય છે કે,કર્ણાકટમાં ભારે વરસાદને કારણે ડુંગળીનો પાકને ખાસ્સી અસર પહોંચી છે જેને પણ ભાવ વધવા પાછળનું એક કારણ ગણવામાં આવી રહ્યું છે.

