ગુજરાતમાં 8 બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે.ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોને જીતાડવા માટે કવાયત શરૂ કરી છે.બંને પક્ષો દ્વારા મતદારોને રીઝવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.તો ભાજપે મોટાભાગે પેટાચૂંટણીમાં આયાતી ઉમેદવારને મેદાને ઉતાર્યા છે.ત્યારે પેટાચૂંટણીમાં મોરબી બેઠકનું રાજકારણ ગરમાયું છે.કોંગ્રેસનો ઉમેદવાર જ્યારે મોરબીમાં ફોર્મ ભરવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ પદના દાવેદાર કિશોર ચિખલિયાએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.મહત્ત્વની વાત છે કે,તે મોરબી બેઠક પર પેટાચૂંટણીના પ્રબળ દાવેદાર હતા પરંતુ કોંગ્રેસે કિશોર ચિખલિયાનું પત્તુ કાપતા તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.આ સાથે આક્ષેપ કર્યો હતો કે, હું પ્રબળ દાવેદાર હોવા છતાં પણ મારી સાથે અન્યાય કરવામાં આવ્યો છે.જિલ્લા પ્રમુખ અને હાર્દિક પટેલે રૂપિયાનો વહીવટ કરીને ટિકિટની વહેંચણી કરી છે.તેમને એવા પણ આક્ષેપો કર્યા હતા કે,હું જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટેનો દાવેદાર હતો છતાં પણ મને પ્રમુખ કે,કારોબારી સમિતિમાં ચેરમેન બનવા દેવામાં આવ્યો ન હતો.તેને હાર્દિક પટેલ અને ધારાસભ્ય લલિત કગથરા પર આક્ષેપો કર્યા હતા કે,તે બંનેએ વર્ષો સુધી પક્ષમાં હાજર ન રહેનાર વ્યક્તિને ટિકિટ આપી છે અને મારી સાથે અન્યાય કર્યો છે.જેના કારણે હું ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ગયો છે.
કિશોર ચિખલિયાએ તો ભાજપનો ખેસ ધારણ કર્યો છે પરંતુ સાથે-સાથે મોરબી નગરપાલિકામાં કોંગ્રેસના મેન્ડેટ પરથી ચૂંટાયેલા વોર્ડ નંબર 4ના કોર્પોરેટર જશવંતી શિરોહિયા અને વોર્ડ નંબર 13ના કોંગ્રેસના કોર્પોરેટર ભાનુ નાગવાડિયા પણ ભાજપમાં જોડાયા હતા.જેથી પેટાચૂંટણી પહેલા મોરબી કોંગ્રેસને મોટો ફટકો પડયો છે.આ ઉપરાંત કિશોર ચિખલિયાએ ટિકિટની વહેંચણી હાર્દિક પટેલ અને જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા કરવામાં આવી હોવાનો આક્ષેપ કરતાં મોરબીમાં હવે રાજકારણ ગરમાયુ છે.તો કોંગ્રેસ આ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી રહી છે.
આ સમગ્ર મામલે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને ધારાસભ્ય લલિત કગથરાએ જણાવ્યું હતું કે,રૂપિયા લેવાની વાત સદંતર ખોટી છે.મોવડી મંડળ દ્વારા નક્કી કરવામાં આવે છે કે,કોને ટિકિટ આપવી.કોઈ કોઈની ટિકિટ કાપી શકતું નથી.પક્ષમાંથી કોઇ એક વ્યક્તિને ટિકિટ મળે છે.મને પણ બીજીવાર ટિકિટ આપવામાં આવી નથી. પક્ષ સાથે વફાદારી એને કહેવાય જેને ટિકિટ મળે તેને જીતાડવા મથામણ કરે બાકી રૂપિયાની લેતીદેતીની વાત સંપૂર્ણપણે ખોટી છે.


