વલસાડ : વલસાડ જિલ્લામાં કપરાડા પેટા વિધાનસભાની ચૂંટણીને કારણે જિલ્લાની તમામ બોર્ડર ઉપર મોટા પ્રમાણમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.ત્યારે દમણથી વિદેશી દારૂની હેરાફેરી પર રોક લાગી છે જેના કારણે દક્ષિણ ગુજરાતમાં વિદેશી દારૂનો પુરવઠો જાણે બંધ પડી ગયો હોય તેવો માહોલ સર્જાયો છે.તેવામાં સુરતના એક દારૂ રસિકે દમણ ફરવા આવ્યો અને સુરત પરત ફરતી વેળાએ પોતાની લાખો રૂપિયાની કારમાં વિદેશી દારૂ સુરત લઈ જવાનો પ્રયાસ કરતાં હાલે જેલની હવા ખાવાનો વારો આવ્યો છે.
વલસાડના વાપી પોલીસે સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલ હિમ ગિરી બંગ્લોઝમાં રહેતા ઉદ્યોગપતિ મિહિર મહેન્દ્ર કડીવાલા અને તેમના પત્ની સ્વાતિ કડીવાલાને લક્ઝુરીયસ કારમાં દારૂ સાથે ઝડપી પડ્યા છે.તેઓ બંને સાથે દમણ ફરવા આવ્યા હતા.દમણમાં બિન્દાસ છાંટોપાણી કર્યા બાદ સુરતમાં પણ દારૂની પાર્ટી કરવા ના અરમાન જાગ્યા અને પોતાની મોંઘીદાટ વિદેશી કારમાં વિદેશી દારૂ શરાબ લઈ સુરત તરફ રવાના થયા હતા.જોકે દમણથી વાપી તરફ જતા ડાભેલ ચેકપોસ્ટ આગળ વાપી પોલીસનું સઘન પોલીસ પેટ્રોલિંગ ચાલુ હતું.જેના કારણે આ દંપતી વિદેશી દારૂ સાથે ઝડપાઈ ગયું હતું.તેમની પાસે આ દારૂની કોઈપણ પાસ પરમીટ ન હોવાથી વાપી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે.
હાલે વલસાડના કપરાડા વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત વલસાડ પોલીસ જિલ્લામાં આવતી તમામ ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ હાથ ધરી રહી છે.તેમાંય ચૂંટણી ટાણે કોઈપણ પ્રકારની વિદેશી દારૂની હેરાફેરી ન થાય તે માટે વલસાડ પોલીસ ચાપતો બંદોબસ્ત રાખે છે.ત્યારે પોલીસની સઘન પેટ્રોલિંગ ની કામગીરી દરમિયાન સુરતનું આ દંપતી પોલીસના હાથે ઝડપાઈ ગયું છે.મોંઘીદાટ કાર માંથી 15 હજાર રૂપિયાનો વિદેશી દારૂ મળી આવ્યો છે.ત્યારે પોલીસે 16 લાખ પંદર હજારનો મુદ્દામાલ જપ્ત કરી આ સુરતના ઉદ્યોગપતિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.ત્યારે હાલ તો આ ઉદ્યોગપતિ કપલ ને બદનામી અને જેલ ની હવા જરૂર થી ખાવી પડી છે અને પસ્તાવા સિવાય બીજો કોઈ રસ્તો નથી.


