ગુજરાત સરકારના મંત્રીને ગુજરાત હાઇકોર્ટે ખૂબ જ મોટી રાહત આપી છે.હાઇકોર્ટ દ્વારા મંત્રી સામે નોંધાયેલા 1996 અને 2014ના કેસની કાર્યવાહી રદ કરવામાં આવી છે.ગુજરાતના મત્સય ઉદ્યોગ મંત્રી અને ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય પરષોત્તમ સોલંકી સામે 196માં બોગસ વોટિંગનો કેસ નોંધાયો હતો અને વર્ષ 2014માં બેનામી રોકડ કેસની ફરિયાદ તેમની સામે થઈ હતી જેના કારણે તેમણે બંને કેસ રદ કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં એક અરજી કરી હતી.આ અરજીના કારણે ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ ગીતા ગોપીએ મંત્રી પરુષોત્તમ સોલંકીની બંને પિટિશન મંજૂર કરીને તેમની સામે 1996માં નોંધાયેલા બોગસ વોટિંગનઓ કેસ અને 2014માં નોંધાયેલ બેનામી રોકડના કેસને રદ કર્યો છે.
ગુજરાતના મંત્રી અને ભાજપના ધારાસભ્ય પરષોત્તમ સોલંકી સામે નોંધાયેલા બંને કેસની જો વાત કરવામાં આવે તો 1996માં વિધાનસભાની પેટાચૂંટણી દરમિયાન ભાવનગર પોલીસ દ્વારા બે અજાણ્યા ઇસમની 19 જેટલી કેમિકલની બોટલો સાથે ધરપકડ કરી હતી.પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે 19 બોટલમાં જે કેમિકલ હતું તે ચૂંટણીમાં વપરાતી સહીને ભૂંસવા માટે ઉપયોગમાં લેવામાં આવતું હતું.રેલવે પોલીસે આ બંને ઈસમોની કડકાઈથી પૂછપરછ કરતાં બંને જણાવ્યું હતું કે, તેઓ પરસોતમ સોલંકીના એજન્ટો છે.જેના કારણે ભાવનગર પોલીસ દ્વારા ચાર્જશીટમાં પાછળથી પરસોતમ સોલંકીનું નામ ઉમેરવામાં આવ્યુ હતું.સૌપ્રથમ કેસના બે વર્ષ સુધી પોલીસે ચાર્જશીટમાં પરસોતમ સોલંકીનું નામ ઉમેર્યું હતું પરંતુ બે વર્ષ બાદ પરષોત્તમ સોલંકીને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા હતા.
આ સમગ્ર મામલે વર્ષ 2016માં મેજિસ્ટ્રેટ દ્વારા કોર્ટમાં વોરંટ પણ જારી કરવામાં આવ્યું હતું.ત્યારબાદ પરસોતમ સોલંકીએ કેસ રદ કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી.હાઇકોર્ટ દ્વારા કેસ રદ કરતા નોંધવામાં આવ્યું હતું કે,મેજિસ્ટ્રેરિયલ કોર્ટ સમક્ષ ઓથોરિટી દ્વારા કોઈ પણ પ્રકારની લેખિત ફરિયાદ કરવામાં ન આવે ત્યાં સુધી કોર્ટ પોતાની રીતે આમ સંજ્ઞાન લઇ શકે નહીં.જેથી કોર્ટના આદેશ કાયદા અને પ્રશ્ન સિદ્ધાંતોની દ્રષ્ટિએ ક્ષતિપૂર્ણ હોવાના કારણે ભાવનગરના વરતેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અને કાર્યવાહી રદ કરવામાં આવી હતી.
મંત્રી પરષોત્તમ સોલંકી સામે બીજો કેસ વર્ષ 2014ની ચૂંટણી દરમિયાન નોંધાયો હતો.વર્ષ 2014માં પરષોત્તમ સોલંકી ભાજપના સ્ટાર પ્રચારક હતા અને તેઓ જ્યારે પોતાના હેલિકોપ્ટર મારફતે જસદણમાં પ્રચાર માટે આવ્યા હતા.ત્યારે ચૂંટણી અધિકારીઓ દ્વારા પરષોત્તમ સોલંકીનાં હેલિકૉપ્ટરમાંથી 1.75 લાખ રૂપિયા રોકડ ભરેલી એક સૂટકેસ મળી આવી હતી.જેના કારણે ચૂંટણી અધિકારીએ આ મામલે મેજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ કરી હતી.આ ફરિયાદ બાદ મંત્રી પુરુષોત્તમ સોલંકી ફરિયાદને રદ કરવા માટે હાઈકોર્ટમાં પિટિશન રજૂ કરી હતી.આ સમગ્ર મામલે પોલીસે રજૂ કરેલા રિપોર્ટ સામે ચૂંટણી અધિકારી દ્વારા કોઈ વાંધો ઉઠાવવામાં આવ્યો ન હતો.જેના કારણે હાઇકોર્ટ દ્વારા મંત્રી પુરુષોત્તમ સોલંકીની કેસને રદ કરવાની પિટિશન ગ્રાહ્ય રાખવામાં આવી હતી.આ કેસમાં હાઈકોર્ટે નોંધ્યું હતું કે,રોકડનો ઉપયોગમાં લાંચ લેવા માટે થવાનો છે તેવા અનુમાનના આધારે કાર્યવાહી શરૂ થઈ હતી.જેથી કેસનું મૂલ્યાંકન કરતા લાંચનો કેસ બનતો નથી.
ભાજપના મંત્રી અને ભાવનગર ગ્રામ્ય ભાજપના ધારાસભ્ય પરષોત્તમ સોલંકી સામે નોંધાયેલા 1996 અને 2014નો કેસ હાઈકોર્ટ દ્વારા રદ કરતા મંત્રી પુરુષોત્તમ સોલંકીના મોટી રાહત મળી છે.


