અમદાવાદ : અમેરિકાની સરકાર અને 48 રાજયોએ ફેસબુક વિરુદ્ધ સમાનાંતર કેસો દાખલ કર્યા છે જેમાં સોશિયલ મીડિયાની આ દિગ્ગજ કંપની પર એકાધિકાર બનાવવા અને નાના હરીફોને હટાવવા માટે બજારની તાકાતનો દુરુપયોગ કર્યો હોવાનો આરોપ છે.આ બાદ ફેડરલ ટ્રેડ કમિશન અને 48 રાજ્યોના એટર્ની જનરલોએ ગઈકાલે કંપની પર કેસ દાખલ કરવાની કાર્યવાહી શરુ કરી દીધી હતી જેને કારણે ફેસબુકના શેરમાં કડાકો બોલાઈ ગયો હતો.
ન્યુયોર્કના એન્ટરની જનરલ લેટિટિયા જેમ્સના નેતૃત્વવાળા દ્વિપક્ષીય ગઠબંધને આરોપ લગાવ્યો છે કે ફેસબુકે પોતાનો એકાધિકાર જાળવી રાખવા માટે એક સુનિયોજિત રણનીતિ ઘડી છે. તેમાં 2021માં નજીકના હરીફ ઇન્સ્ટાગ્રામનું અધિગ્રહણ,2014માં મોબાઈલ મેસેજિંગ એપ વોટ્સએપનું અધિગ્રહણ અને સોફ્ટવેર ડેવલપર્સ પર પ્રતિસ્પર્ધારોધી શરતો લગાવવાનું સામેલ છે.
સંઘીય ફરિયાદ અનુસાર ફેસબુકના આ આચરણથી હરીફાઈને નુકશાન પહોંચ્યું છે,ગ્રાહકો માટે સોશિયલ નેટવર્કિંગના મર્યાદિત વિકલ્પ રહી ગયા છે અને જાહેરાત આપનારાઓને હરીફાઈનો લાભ નથી મળ્યો.ફેસબુકના ઉપાધ્યક્ષ અને જનરલ કાઉન્સિલ જેનિફર ન્યુસ્ટેન્ડે ફરિયાદનો વિરોધ કરતા તેને ઇતિહાસને બદલવાનો પ્રયત્ન ગણાવ્યો છે.


