દિલ્હી : કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનું આંદોલન વેગ પકડી રહ્યું છે.ખેડૂતોએ કરેલી જાહેરાત પ્રમાણે તેમણે ટોલ પ્લાઝા ફ્રી કરવાનું શરૂ કરી દીધું છે.અંબાલાના શંભુ ટોલ પ્લાઝા પર વાહનો ટોલ ચૂકવ્યા વગર જ પસાર થઇ રહ્યાં છે.કરનાલનું બસ્તારા ટોલ પ્લાઝા પણ ફ્રી કરવામાં આવ્યું છે. જ્યારે ખેડૂતો આજે દિલ્હી-જયપુર અને દિલ્હી-આગ્રા હાઇવે જામ કરશે
ખેડૂતોના ટોલ ફ્રી કરવાની ચેતવણીને ધ્યાનમાં રાખતાં ફરીદાબાદ પોલીસ દિલ્હી-હરિયાણાના રસ્તામાં આવતાં 5 ટોલ પ્લાઝા પર 3500 પોલીસકર્મી તહેનાત કરશે. બદરપુર,ગુરુગ્રામ-ફરીદાબાદ,કુંડલી-ગાઝિયાબાદ-પલવલ,પાલી ક્રશન ઝોન અને ધૌન ટોલ પ્લાઝા પર પ્રદર્શનકારીઓ પર ચાંપતી નજર રાખવામાં આવશે.
ખેડૂતોએ 12 ડિસેમ્બરે દેશભરના તમામ ટોલનાકાઓને ટોલ ફ્રી કરવાનું એલાન પણ કર્યુ હતું. ઉલ્લેખનીય છે કે,ટોલપ્લાઝા એક દિવસ બંધ રહે તો પણ કેન્દ્ર સરકારને કરોડો રુપિયાની આવકમાં નુકસાન પહોંચે છે.આ સાથે આંદોલનકારી ખેડૂતોએ 14 ડિસેમ્બરથી જીલ્લા ઓફિસ પર જીલ્લા અધિકારીઓ અને સરકારી ઓફિસો પર ઘેરો કરવાની રણનીતિ પણ તૈયાર કરી લીધી છે.
આંદોલનમાં સામેલ થવા માટે પંજાબના અલગ અલગ જિલ્લાના 50 હજાર ખેડૂત શુક્રવારે દિલ્હી માટે રવાના થયા હતા. તેઓ આજે સાંજ સુધીમાં કુંડલી બોર્ડર પહોંચશે.જ્યારે ટીકરી અને સિંધુ બોર્ડર પર અત્યારસુધી 11 ખેડૂતનાં મોત થઈ ચૂક્યા છે.
ખેડૂતોએ હવે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે.સરકારે સાથે અનેક ચરણની વાતચીત અને તાજેતરમાં મોકલેલા પ્રસ્તાવને ફગાવ્યા બાદ ખેડૂતોએ એકતરફ આંદોલનને વેગ આપવાનો નિર્ણય કર્યો છે તો બીજીતરફ ન્યાયિક રીતે પણ સરકારને પડકારવાનું મન મક્કમ બનાવ્યું છે.ખેડૂતો સંગઠન ભારતીય કિસાન યુનિયને જણાવ્યું છે કે નવા કાયદાથી કોર્પોરેટ કંપનીઓની લાલચ સામે તેઓ લાચાર બનીને રહી જશે.

