– પોલીસે POCSO હેઠળ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી,આરોપી આચાર્ય ફરાર
હૈદરાબાદ : તેલંગાણાના ભદ્રાદ્દી કોથાગુડેમ જીલ્લાની એક સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા બાળકીઓના યૌન શોષણનો કથિત કેસ સામે આવતા ફરી એક વાર દેશમાં મહિલાઓની સુરક્ષાનો મુદ્દો સળગ્યો છે.અહીંની શાળાના આચાર્ય પર આરોપ છે કે ઓગસ્ટથી અત્યાર સુધી શાળાની જ 7થી 11 વર્ષની ઉંમરની બાળકી-કિશોરીઓનું વારંવાર યૌન શોષણ કરવામાં આવ્યું હતું.આ કેસમાં આરોપી આચાર્ય ફરાર છે.સ્થાનિક પોલીસે કલમ 376 અને POCSO હેઠળ કેસ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ આરોપી આચાર્ય બાળકી-કિશોરીઓનુ યૌન શોષણ કરતા પહેલા તેમને પોર્ન જોવા મજબૂર કરતો હતો.તે ધમકી આપતો હતો કે આ વિશે તેઓ કોઇને જણાવશે તો ગંભીર પરિણામ આવશે.ધોરણ 2માં અભ્યાસ કરતી એક પીડિતાની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી,જે દરમિયાન તેણે પરિવાર સામે વાતનો ખુલાસો કરતા આરોપી આચાર્યની કરતૂતો સામે આવી હતી.તપાસ દરમિયાન પોલીસ સામે એવો ખુલાસો પણ થયો હતો કે આચાર્યએ માત્ર એની શાળાની જ નહીં પરંતુ અન્ય ચાર વિદ્યાર્થિનીઓનું પણ યૌન શોષણ કર્યુ હતું.
કોરોના મહામારીને લીધે લોકડાઉન દરમિાયન આચાર્ય સહિત શિક્ષકો રોટેશન પર શાળામાં જતા હતા,આરોપી આચાર્ય નોકરીના સમયે અભ્યાસ કરાવવાને બહાને વિદ્યાર્થિનીને ઘરેથી શાળા લઇ આવતો.પરિવારજનોએ પણ આ વાતને સ્વીકારી હતી કે તેમની પુત્રી આ દિવસો દરમિયાન શાળામાં જતા ગભરાતી હતી,પરંતુ સ્થિતિને તેઓ જાણી ન શક્યા.