જુનિયર કક્ષાના સવર્ણ અધિકારીઓને ખોટી રીતે બઢતીના લાભ આપીને એસટી તેમજ પછાતવર્ગ સાથે અન્યાય કરવાનો આરોપ વ્યારાના ધારાસભ્ય પુનાજી ગામીતે મુખ્યમંત્રીને પત્ર લખીને કર્યો છે.એક મહિનામાં બીજી વાર પત્ર લખવામાં આવ્યો હોવા છતાં સરકાર તરફથી યોગ્ય કાર્યવાહી થઈ નહી હોવાનું તેમનું કહેવું છે.
ધારાસભ્સના જણાવ્યા અનુસાર સામાન્ય વહીવટ વિભાગે 23મી ઓગષ્ટ 2019ના રોજ જારી કરેલા પરિપત્ર નં.એસએલટી-102019-297866-ગ-2માં સિનિયર ડ્યુટી વર્ગ-1નાં બઢતીના સિદ્ધાંતો અમલમાં મુક્યા હતા.જે મુજબ રિવ્યુ ડીપીસી કરવાને બદલે શહેરી વિકાસ વિભાગ દ્વારા ઉપરોક્ત પરિપત્રનો સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યો હતો.

તાજેતરમાં ત્રણ મહિના પૂર્વે 19મી સપ્ટેમ્બરના રોજ સિનિયર ટાઉન પ્લાનરની બઢતીના હુકમ કર્યા હતા જેમાં શહેરી વિકાસ વિભાગે સરકારને ગેરમાર્ગે દોરી નિયમોના ધજ્જિયા ઉડાડ્યા હતા.અને સવર્ણ જાતિને જુનિયરોને બઢતી બહાલ કરીને પરિપત્રનો સરેઆમ ઉલ્લંઘન કર્યો હતો.તદઉપરાંત નાણાં,સહકાર,શિક્ષણ અને રોજગાર વિભાગ દ્વારા જાણ કર્યા વગરના સારા ખાનગી અહેવાલને ધ્યાને લીધા વિના સિનિયર ડ્યુટી વર્ગ-1ના પાશ્ચાતવર્તી અસરથી બઢતી અને અનુમાનિત તારીખ આપી છે.ત્યારે શહેરી વિકાસ વિભાગ દ્વારા જાણ કર્યા વગરના ખાનગી અહેવાલ ધ્યાને રાખીને મનસ્વી રીતે બઢતીના હુકમો કરવામાં આવ્યા હોવાનું ધારાસભ્યના ધ્યાને આવ્યું છે.ચોક્કસ જ્ઞાતિના અધિકારીઓને બિનઅધિકૃત રીતે સિનિયર ટાઉન પ્લાનર તરીકે બઢતી આપવામાં આવી હોય,તેઓને રિવર્ટ કરીને એસટી-પછાતવર્ગના સિનિયર અધિકારીઓને બઢતી આપવા માંગણી કરવામાં આવી છે.
વ્યારાના ધારાસભ્ય પુનાજી ગામીતે બીજીવાર પત્ર લખીને મુખ્યમંત્રીને ગેરમાર્ગે દોરતા અધિકારીઓથી સચેત રહેવા ટકોર કરવામાં આવી છે.તેમણે ટાંક્યું છેકે, સિનિયર અનુ.જનજાતિ,પછાતવર્ગના અધિકારીઓને બઢતીથી વંંચિત રાખવા માટે ષડયંત્રના ભાગરૂપે ગેરરીતિ આચરી ચોક્કસ જ્ઞાતિના જુનિયર અધિકારીઓને ખોટી રીતે પ્રમોશન આપવામાં આવ્યું છે જેના પર પુનઃ વિચારણા કરવા પણ માંગ કરવામાં આવી છે.
શહેર વિકાસ વિભાગમાં જ્ઞાતિવાદને પ્રોત્સાહન
ધારાસભ્યનું કહેવું છે કે શહેરી વિકાસ વિભાગમાં અનુ.જનજાતિના અને પછાતવર્ગના અધિકારીઓને બઢતીથી વંંચિત રાખવા માટે જ્ઞાતિવાદને પ્રોત્સાહન આપ્યું હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ નજરે ચઢે છે.ઉપરોક્ત ડિપાર્ટમેન્ટમાં નીચલી જાતિના અધિકારીઓને મહત્વપૂર્ણ જવાબદારી સોંંપવામાં આવતી નથી તેવા પણ ગંભીર આક્ષેપો થઈ રહ્યાં છે. ‘સબકા સાથ સબકા વિકાસ’ના મંત્રને લઈને ચાલતી રાજ્યની ભાજપ સરકારમાં આ પ્રકારના જ્ઞાતિવાદને કારણે સમાજ વચ્ચેની તિરાડ વધુ પહોળી થાય અને પછાતવર્ગને અન્યાય થાય તેવી લાગણી જન્મી રહી છે.


