નવી દિલ્હી તા. ૨૨ : જમ્મુ-કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદના પરિણામો આવી રહ્યા છે.કાશ્મીર ખીણમાં ભાજપે બેઠક જીતી લીધી છે.શ્રીનગરની બલ્હમા બેઠક પરથી ભાજપના ઉમેદવાર એજાજ હુસૈનનો વિજય થયો છે.તેમનો વિજય ખાસ મહત્વનો છે.કારણ કે કાશ્મીર ખીણમાં વિજય મેળવવો એ ભાજપ માટે રેકોર્ડ સ્થાપવા સમાન છે.ભાજપે વિજય મેળવતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
જમ્મુ-કાશ્મીરની ડીડીસીની તમામ ૨૦ જિલ્લાઓમાં મતગણતરી ચાલી રહી છે.કુલ ૨૮૦ બેઠક પર મતગણતરી થઇ રહી છે.જેમાં ૨૧૭૮ લોકોનું ભાવિ નક્કી થઇ રહ્યું છે. કુલ ૮ ચરણમાં મતદાન થયું હતું જે ૫૧.૪૨ ટકા હતું.અત્યાર સુધી મળેલા ટ્રેન્ડ મુજબ ગુપકાર ગઠબંધન ૮૭, ભાજપ ૪૬, કોંગ્રેસ ૨૧ બેઠકો ઉપર આગળ ચાલી રહ્યા છે.
જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ હટાવાયા બાદ પહેલીવાર ડીડીસીની ચૂંટણી થઇ હતી.ભાજપ અને ગુપકાર ગઠબંધન વચ્ચે સીધી ટક્કર ચાલી રહી છે.ગઠબંધનને કાશ્મીરમાં સરસાઇ મળી છે.જ્યારે ભાજપને જમ્મુ ક્ષેત્રમાં સરસાઇ મળી છે.જમ્મુ ક્ષેત્રમાં ભાજપ ૬૨, ગુપકાર ૧૫, કોંગ્રેસ ૧૫,અપના પાર્ટી ૨ તથા અન્ય ૨૬ ઉપર આગળ છે.

