– દરિયાની સપાટીથી ૬૭૧૮ મીટરની ઊંચાઈ પર આવેલા તિબેટના કૈલાશ પર્વતને હિંદુ, બુદ્ધ અને જૈન ધર્મના લોકો અત્યંત પૂજનીય ગણે છે.આજદિન સુધીમાં એકપણ વ્યક્તિ કૈલાશની ટોચ પર નથી પહોંચી શકી.એવું કહેવાય છે કે,જેમણે કૈલાશ પર છેક સુધી ચડવાની કોશિશ કરી છે તેઓ મૃત્યુને આધિન થયા છે.આ કારણોસર જ ચીનની સરકારે કૈલાશ પર્વતની ટોચ સુધી પહોંચવાની કોશિશોને વિરામ આપવાનું નક્કી કરી લીધું છે.આજની તારીખે કોઈ પણ સાહસિક વ્યક્તિ ઇચ્છે તો પણ પર્વત ન ચઢી શકે એ માટે ચીની સરકારે ચઢાણ માટેની સદંતર મનાઈ ફરમાવી દીધી છે.
– મુલ્દાશેવ દ્વારા પ્રકાશિત થયેલા એકેડેમિક પેપરમાં તેમણે આ વિશે ઊંડાણપૂર્વક માહિતી આપી હતી.તેમણે પોતે અને તેઓની ટીમે ઘણી વખત કૈલાશના નાભિસ્થાનમાંથી આવતા અવાજો સાંભળ્યા હતા.અડધી રાત્રે સંભળાતો એ નાદ ઘણો જ જુદા પ્રકારનો અને રહસ્યમયી હતો. એક રાત્રે તો એવું પણ બન્યું કે ટીમના બધા જ સભ્યોએ પર્વતના વચલા વિસ્તારમાંથી અંદરખાને પથ્થરો ગબડતા હોય એવા અવાજ સાંભળ્યા. તેમને એવું પ્રતીત થયું જાણે કૈલાશ નામના આ વિશાળ પિરામિડની અંદર હજુ પણ ક્યાંક માનવ-વસવાટ હોવો જોઈએ, જે સદીઓથી ત્યાં છુપાઈને પોતાનું જીવન વ્યતિત કરી રહ્યા છે!
આદિકાળથી માનવસમુદાયના ઉત્થાનનો સાક્ષી બનેલો આ પર્વત હિંદુ ધર્મ માટે સૌથી પાવન તીર્થ છે.ત્રિકાળદર્શી દેવાધિદેવ મહાદેવનું એ રહેઠાણ છે,યોગસ્થળ છે. અત્યંત નિખાલસતા સાથે હું આજે એક હકીકતની કબૂલાત કરવા માંગુ છું.કૈલાશ વિશે સંશોધન કરવાની શરૂઆત કરી ત્યારે ઘણું બધું એવું સાહિત્ય (ઓનલાઇન-ઓફ્ફલાઇન) વાંચવામાં આવ્યું,જેમાં સમાવિષ્ટ થયેલી વિગતો એકદમ જુની અને બહુ જ ચવાઈ ગયેલી હતી.પરંતુ વાંચકોને કંઈક જૂદું પીરસવાની મહેચ્છાને કારણે રીસર્ચ આગળ ધપતું ગયું અને ત્યારબાદ જે પ્રકારની માહિતીઓ નજરમાં આવી એ કંપાવનારી છે,આશ્ચર્ય પેદા કરે એવી છે.બીજી એક ખાસ વાત એ પણ છે કે, આજના આ લેખને તૈયાર કરવા માટે બબ્બે વખત કૈલાશ-માનસરોવરની યાત્રા પર જઈ આવેલા જામનગરના વતની અજય ભટ્ટની ખૂબ મદદ મળી છે. બહુ જ મોકળા મને એમણે એમના પોતાના અનુભવો,સાક્ષાત્કારો,ચમત્કારો મારી સાથે વહેંચ્યા.કૈલાશની ભૌગોલિક સ્થિતિ અને યાત્રિકોની શ્રદ્ધા સાથે ઘેર બેઠા પરિચિત કરાવવા પાછળ એમનો ઘણો જ મોટો ફાળો રહ્યો.જામનગરની સૌથી ખ્યાતનામ કંપનીમાં વર્ષોથી ઉચ્ચ હોદ્દા પર રહીને ફરજ બજાવનાર અજય ભટ્ટનો વિશેષ આભાર આ પ્રસંગે માનવો જ રહ્યો.
રશિયનોને પણ ભારતીયોની જેમ પર્વતો માટે બહુ જ લગાવ રહ્યો છે. તેઓ ઘણા વર્ષોથી વિશ્વના અલગ અલગ રહસ્યમય પર્વતો પર સંશોધનો આદરી રહ્યા છે. એવું કહેવાય છે કે,ઓગણીસમી અને વીસમી સદીમાં પુષ્કળ રશિયનોએ કૈલાશ પર્વતની ટોચ પર પહોંચવાની કોશિશ કરી,પરંતુ કોઈક અગમ્ય કારણોસર તેઓ લાપતા થઈ ગયા.તેમનો કોઈ પતો મેળવી શકાયો નથી.હવામાં ફેલાતા ધુમાડાની માફક તેમનું અસ્તિત્વ કૈલાશની વાદીઓમાં ક્યાંક ઓગળી ગયું છે! સાઈબિરિયન પર્વતારોહકના જણાવ્યાનુસાર, એક વખત કોઈક આખા સમૂહ (ગ્રુપ) દ્વારા કૈલાશ પર્વત ચઢવાની કોશિશ કરવામાં આવી હતી.તેઓ નિશ્ચિત કરેલા બિંદુથી આગળ તો વધ્યા,પરંતુ બધાના આશ્ચર્ય વચ્ચે તેમની ઉંમર અચાનક વધી ગઈ! ભર જવાનીમાં તેઓ વૃદ્ધ થઈ ગયા.માથા પર સફેદ વાળથી માંડીને શરીર પર કરચલીઓ આવી ગઈ.ફક્ત એક જ વર્ષની અંદર તેઓ મૃત્યુ પામ્યા! આ ઘટનાની પાછળ છુપાયેલી હકીકત કે તર્ક વિશે કોઈને કશો જ અંદાજ નથી!
અચ્છા, કેટલાક લોકોનું માનવું છે કે કૈલાશ પર્વતમાળામાં જ ક્યાંક સંભાલા ગામનું અસ્તિત્વ હોવું જોઈએ.પુરાણોમાં સંભાલા ગામને શ્રેષ્ઠત્તમ રહેવાસીઓનું ઘર ગણવામાં આવ્યું છે.એવી માન્યતા છે કે, સંભાલા ગામમાં પરિપૂર્ણ (ક્ષતિરહિત) માનવોનું સામ્રાજ્ય છે.બીજી એક માન્યતા એ પણ છે કે,ભગવાન વિષ્ણુનો કળિયુગી કલ્કી અવતાર પણ સંભાલા ગામમાં જ જન્મ લેશે!
૧૯૯૯ની સાલમાં રશિયન ઓફ્થેલ્મોલોજિસ્ટ (આંખના નિષ્ણાંત) અર્નસ્ટ મુલ્દાશેવે તિબેટ જઈને કૈલાશ પર સંશોધનો કરવાનું નક્કી કર્યુ. ભૂસ્તરશાસ્ત્ર, ભૈતિક વિજ્ઞાન અને ઈતિહાસના નિષ્ણાંતોથી ભરેલી એમની ટીમનો હેતુ સ્પષ્ટ હતો : કૈલાશ પર્વતમાળામાં છુપાયેલા ગર્ભિત રહસ્યો શોધી કાઢવા! કેટલાય મહિનાઓ સુધી એમણે તિબેટિયન લામા સાધુ સાથે વસવાટ કર્યો, કૈલાશ પર્વતની અથથી ઈતિ સમજવાની કોશિશ કરી અને તેની તળેટીમાં રહીને સંશોધનો કર્યા.
મુલ્દાશેવ આ અંતર્ગત જણાવે છે કે,તિબેટિયન સાહિત્યોમાં પણ કૈલાશની ઉત્તર-પશ્ચિમે આવેલા સંભાલાનો ઉલ્લેખ જોવા મળે છે,પરંતુ એને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજાવવું મારા માટે મુશ્કેલ છે. હા, એટલું ખરું કે અમને જે પુરાવાઓ મળ્યા એના પરથી એટલું તો કહી જ શકાય કે કૈલાશમાં અમુક રહસ્યમયી માનવ-વસ્તી આદિકાળથી વસવાટ ધરાવતી હોવી જોઈએ.આ ઉપરાંત,તેમણે કૈલાશ પર્વતના સમગ્ર સ્ટ્રક્ચર (માળખું)ને માનવના ડીએનએ અણુ (રંગસૂત્રની જોડ) સાથે સરખાવ્યું છે!
અજય ભટ્ટ સાથેની વાતચીતમાં એક મહત્વપૂર્ણ વાત એ જાણવા મળી કે,કૈલાશ માનસરોવરની યાત્રાની શરૂઆતમાં જ પ્રત્યેક શ્રદ્ધાળુઓને એક રૂદ્રાક્ષ માળા આપવામાં આવે છે.એવું કહેવાય છે કે,આ માળા સમગ્ર યાત્રા દરમિયાન એમનું બાધાઓ સામે રક્ષણ પૂરું પાડે છે.એમનો સ્વાનુભવ એવો રહ્યો છે કે કૈલાશ યાત્રા દરમિયાન ઘણા યાત્રિકોને શ્વાસોચ્છવાસમાં ઓક્સિજનની કમી વર્તાય છે.પરંતુ એક પોઈન્ટ એવો આવે છે,જ્યારે ભગવાન શિવ પ્રત્યેની આસ્થા જ એમને ભયમુક્ત બનાવીને આગળ વધવા પ્રેરે છે.કૈલાશ પર્વતનું અલૌકિકપણું આશ્ચર્ય પેદા કરે એવું છે.ઘણા યાત્રિકોને પર્વતમાળામાં સ્વયં મહાદેવના બંને નયનના દર્શન થયાના દાખલા નોંધાયા છે.નટરાજ સ્વયં આવીને આશીર્વાદ આપતા હોય એવા પ્રકારની અનુભૂતિ અહીં સામાન્ય છે!
અજય ભટ્ટ કહે છે, ‘કૈલાસ એક અનુભૂતિ છે! શૈવત્વને સમર્પિત થઈને સમગ્રમાં એકાકાર થઈ જવા સુધીની યાત્રા! કૈલાસ પ્રવાસ શરૂ કરો એ વખતે બની શકે કે અનેક પડકારો નજર સમક્ષ ઉભા હોય. પરિવારની ચિંતાથી માંડીને એ યાત્રા પરથી કદી ય પરત ન ફરી શકવાની ચિંતા પણ એમાં સામેલ હોય છે.યમદ્વાર પાસે પહોંચો ત્યારે ખરેખર એવું લાગે જાણે મૃત્યુની સાવ સમીપ પહોંચી ગયા છીએ.કહેવાય છે કે,કૈલાસ સુધી પહોંચવા માટે નવો જન્મ લેવો પડે છે.યમદ્વારમાંથી પસાર થયા બાદ માણસનો બીજો જન્મ થાય છે એમ હિંદુ ધર્મનું કહેવું છે.એવી માન્યતા છે કે યમદ્વાર ઓળંગી જનારા શ્રદ્ધાળુઓની બાકીની યાત્રા અત્યંત સુખદ અને સ્વાસ્થ્યપ્રદ નીવડે છે. તેમની મુશ્કેલીઓ જાણે ભગવાન શિવ પોતે ઓછી કરી રહ્યા હોય એવો અનુભવ થવા લાગે છે.અને હા,કોઈ પણ અપવિત્ર આત્મા ક્યારે ય યમદ્વાર પાર કરીને આગળની યાત્રામાં જોડાઈ નથી શકતો!’
કૈલાસના પિરામિડ હોવાના મતમતાંતરો દાયકાઓથી જોવા મળે છે.મુંબઈના જાણીતા સંસ્કૃત વિશેષજ્ઞ મોહન ભટ્ટ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે,રામાયણમાં પણ કૈલાસને પિરામિડ તરીકે વર્ણવવામાં આવ્યો છે. આપણા વેદોમાં પણ એ વાતનો ઉલ્લેખ છે.મુલ્દાશેવે પોતાના સંશોધનોમાં વર્ણવ્યું હતું કે આ પિરામિડની રચના પૌરાણિક કાળના અત્યંત એડવાન્સ્ડ ટેક્નોલોજી ધરાવતાં લોકોએ કરી હોવી જોઈએ એમાં શંકાને કોઈ સ્થાન નથી.પરંતુ ચીનની સરકારે મુલ્દાશેવની આ થિયરીને વખોડી કાઢી હતી. અસલી વાત હવે શરૂ થાય છે. કૈલાસ પર સંશોધન કરીને આવ્યા બાદ ફક્ત એક વર્ષની અંદર મુલ્દાશેવે એક એવી ખોજ કરી,જેણે આધુનિક ચિકિત્સાની પદ્ધતિને નવી દિશા પ્રદાન કરી. પોતાની હોસ્પિટલમાં તેમણે એક આંધળી સ્ત્રીની આંખોનું ઑપરેશન કર્યુ, જેમાં કોર્નિયા (આંખનો પારદર્શક પડદો) અને રેટિના (નેત્રપટલ)નો સહારો લેવામાં આવ્યો. ઉપરાંત, મેડિકલ ટર્મમાં જેને ‘એલ્લોપ્લાન્ટ’ કહે છે એવા આંખ માટે જરૂરી એવા ભાગને રાસાયણિક પ્રયોગો થકી માણસના સડી ગયેલા માંસમાંથી બનાવ્યો! આ ઘટના સામાન્ય મેડિકલ જગત માટે ચોંકાવનારી હતી. વિશ્વની મહાસત્તાઓએ ભારતના ઘણા રહસ્યોને દાબી દેવાની અને પોતાના દેશ માટે ઉપયોગમાં લેવાની ભૂતકાળમાં ઘણી કોશિશ કરી છે. રશિયન સંશોધકના આ પ્રયોગને પણ યુ.કે. ગવર્નમેન્ટ તરફથી નકારી દેવામાં આવ્યો. તેને કોઈ માન્યતા પ્રાપ્ત ન થઈ. ૧૯૪૮ની સાલમાં જન્મેલા મુલ્દાશેવ રશિયાના યુફા (UFA)માં હજુ આજે પણ ‘એલ્લોપ્લાન્ટ રશિયન આઈ અને પ્લાસ્ટિક સર્જરી’ નામે એક મેડિકલ સેન્ટર ચલાવે છે. કેટલાક લોકોનું કહેવું છે કે મુલ્દાશેવને આ પ્રેરણા કૈલાસના પર્વતોમાંથી મળી હતી!
ભારતની પ્રમુખ નદીઓમાં જેને સ્થાન આપી શકાય એવી સિંધુ, બ્રહ્મપુત્ર, સરલેજ અને કર્નાલી હિંદુ સંસ્કૃતિની સૌથી મહાન નદી ગંગાની શાખાઓ છે,જેના વચ્ચે ઘેરાયેલા કૈલાસ સાથે જોડાયેલી બીજી ઘણી વાતો અચરજ પેદા કરે એવી છે.તેની તળેટીમાં બે તળાવો આવેલા છે.એકનો આકાર સૂર્ય સમાન ગોળ છે,જેમાં અત્યંત સ્વચ્છ અને તાજું નીર વહે છે.તેને પવિત્ર તળાવ માનવામાં આવે છે.બીજાનો આકાર ચંદ્ર જેવો છે,જેમાં અત્યંત ખારા પાણીનું સામ્રાજ્ય છે.સ્થાનિકો તેને રાક્ષસ-તલના નામથી ઓળખે છે! આ બંને પર્વતોને સોલાર અને લુનાર એનર્જીના રૂપક તરીકે જોવામાં આવે છે,જે હકારાત્મક અને નકારાત્મક ઊર્જા સાથે સંકળાયેલી બાબત છે.
આ પવિત્ર તળાવ એટલે માનસરોવર (માનસ એટલે સૃષ્ટિરચયિતા બ્રહ્માનું મગજ).જેમાં ડૂબકી લગાવીને તેના જળમાં સ્નાન કરનાર વ્યક્તિના જનમો-જનમના પાપ ધોવાઈ જાય છે. અજય ભટ્ટે આ અંગે સ્વાનુભવ જણાવતાં કહ્યું હતું કે માનસરોવરના જળમાં સ્નાન કરતી વેળાએ મને જે અનુભવ થયો,એ અલૌકિક અને અવર્ણનીય હતો. સાવ અનાયાસે મારી આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી.એવું લાગ્યું જાણે સમષ્ટિ મારી પાછળ રહી ગઈ છે. શિવની એ પ્રચંડ ઊર્જાનો સ્ત્રોત અસ્ખલિતરૂપે મારી આંખો વાટે બહાર નીકળવા લાગ્યો. કેટલા સમય સુધી હું રડ્યો હોઈશ એ મને ખ્યાલ નથી, પરંતુ શિવની સાક્ષાત કૃપા વરસતી હોય એવું પ્રતીત થતું હતું. એવું માનવામાં આવે છે કે અનેક દેવી-દેવતાઓ અને મહાઋષિઓ નિત્યપણે માનસરોવરમાં સ્નાન કરવા માટે આવે છે. ૫૧ શક્તિપીઠોમાંના એક એવા માનસરોવર પાસે તર્પણવિધિ કર્યા બાદ પરિવારના તમામ મૃતકોની આત્માને મોક્ષ પ્રાપ્ત થઈ જાય છે,એવી હિંદુ ધર્મમાં માન્યતા છે.
શિવભક્ત અજય ભટ્ટે ભસ્મ પર્વત વિશે પણ ખાસ ઉલ્લેખ કર્યો હતો. દેવી પાર્વતીએ જ્યાં ભસ્માસુર નામના રાક્ષસને રાખમાં ભેળવ્યો એ સ્થાન એટલે ભસ્મ પર્વત! ત્યાંની ભસ્મમાં એટલી પ્રચંડ હકારાત્મક ઊર્જા છે કે યાત્રિકો તેને ખાસ પોતાની સાથે લઈ જાય છે.એવું કહેવાય છે કે પૂજાસ્થાનમાં એ ભસ્મ રાખવાથી તમામ ભૂત-પ્રેત-પિશાચ સહિતની નકારાત્મક ઊર્જા ઘરથી દૂર રહે છે.
માનસરોવરની તો આપણે ચર્ચા કરી. પરંતુ રાક્ષસ-તાલનું શું? ત્યાં સ્નાન કરવાની સદંતર મનાઈ ફરમાવી દેવામાં આવી છે.એવું કહેવાય છે કે, રાક્ષસ-તાલમાં સ્નાન કરનાર વ્યક્તિનું માનસિક સંતુલન ખોરવાઈ જાય છે અથવા તેમનામાં રાક્ષસી (તામસી) પ્રકૃતિનો ઉદભવ થાય છે! જેનું મૂળ કારણ એ કે,લંકાનરેશ રાવણે આ તળાવમાં સ્નાન કર્યુ હતું. તેની મહેચ્છા હતી કે ભગવાન શિવ પોતાની નગરીમાં બિરાજે, માટે તેણે કૈલાસ ઉંચકીને લંકા લઈ જવાનો નિષ્ફળ પ્રયાસ પણ કર્યો હતો!
આની પાછળનો વૈજ્ઞાનિક તર્ક આપવાની પણ એક કોશિશ કરવામાં આવી હતી.રાવણ શા માટે કૈલાસ પર્વતને લંકા લઈ જવા માંગતો હતો? આપણે સૌ જાણીએ છીએ કે કૈલાસની રેડિયોએક્ટિવિટી વિશે તો વિજ્ઞાન પણ માહિતગાર છે.હવે કૈલાસ પર્વતને એક ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ધારી લઈએ તો? રાવણ આ ન્યુક્લિયર પ્લાન્ટને પોતાની નગરીમાં લઈ જવાની ઇચ્છા ધરાવતો હોય તો? પરંતુ ઘટના એવી બની હોવી જોઈએ કે, કૈલાસનો સ્પર્શ કર્યા બાદ તે રેડિયોએક્ટિવ વિકિરણોનો ભોગ બન્યો હોવો જોઈએ. અને ત્યારબાદ ચંદ્રાકાર તળાવમાં તેનું સ્નાન! જેના કારણે એ તળાવમાં પણ રેડિયોએક્ટિવ કિરણો વ્યાપી ગયા.આ કારણોસર તેને રાક્ષસી-તાલ કહેવામાં આવે છે.શક્ય છે,એ જ રેડિયોએક્ટિવ વિકિરણોને લીધે આજેપણ કોઈ મનુષ્ય એમાં સ્નાન ન કરી શકતો હોય!
bhattparakh@yahoo.com


