– રાજ્ય સરકારના વહીવટી વડા તરીકે 1લી માર્ચના રોજ જે ઓફિસરની સંભાવના છે તેમાં બીજા બે નામ પંકજકુમાર અને રાજીવકુમાર ગુપ્તા છે
ગાંધીનગર : ગુજરાતના નવા ચીફ સેક્રેટરીપદ માટે ત્રણ સિનિયર આઇએએસ અધિકારીઓના નામ ઉભરી રહ્યાં છે.આ ત્રણ નામ પૈકી સૌથી ટોચ પર હાલ દિલ્હીમાં ડેપ્યુટેશન પર ગયેલા સિનિયર આઇએએસ અધિકારી ગુરૂપ્રસાદ મહાપાત્રનું નામ છે.જો કે હજી હાલના ચીફ સેક્રેટરી અનિલ મુકિમનો એક્સટેન્શનનો સમયગાળો ફેબ્રુઆરી મહિનામાં પૂર્ણ થાય છે.
સચિવાલયના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે રાજ્યના નવા ચીફ સેક્રેટરીપદ માટે ગુજરાત સરકાર કેન્દ્રમાં ત્રણ નામની પેનલ મોકલશે જે અગાઉ પણ મોકલવામાં આવી હતી પરંતુ કેન્દ્ર સરકારે ડેપ્યુટેશન પર દિલ્હી ગયેલા અનિલ મુકિમની નિયુક્તિ કરી દીધી હતી.આ વખતે પણ ડેપ્યુટેશન ગયેલા ગુરૂપ્રસાદ મહાપાત્રની સંભાવના વધી રહી છે.
રાજ્યમાં ચીફ સેક્રેટરીની પસંદગી ફાયનાન્સ અને હોમ એમ બન્ને ડિપાર્ટમેન્ટના અધિક મુખ્યસચિવમાંથી કરવામાં આવતી હોય છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે મહેસૂલ વિભાગના અધિક મુખ્યસચિવ પંકજકુમારને હાલ હોમ વિભાગના અધિક મુખ્યસચિવનો વધારાનો હવાલો આપવામાં આવેલો છે પરંતુ તેમને હોમ ડિપાર્ટમેન્ટમાં કાયમી નિયુક્ત કરવામાં આવે તેવી સંભાવના છે.
બીજી તરફ નાણાં વિભાગના હાલના અધિક મુખ્ય સચિવ પંકજ જોષીની શક્યતા એટલા માટે નથી કે તેમની અગાઉ ઘણાં ઓફિસરો સિનિયર મોસ્ટ છે.રાજ્યના ચીફ સેક્રેટરીના બીજા બે દાવેદારોમાં મહેસૂલ વિભાગના ચીફ પંકજકુમાર અને વન અને પયર્વિરણ વિભાગનાઅધિક મુખ્ય સચિવ રાજીવકુમાર ગુપ્તા છે.કેન્દ્રમાંથી ડેપ્યુટેશન પર ગયેલા અધિકારી જો ગુજરાત પાછા આવે નહીં તો આ બન્ને ઓફિસરો પૈકી એકને પસંદ કરવામાં આવી શકે છે.
રાજ્યના હાલના ચીફ સેક્રેટરી અનિલ મુકિમ ઓગષ્ટમાં વયનિવૃત્ત થયા હતા પરંતુ તેમને છ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવેલું છે.તેમનો ટેન્યોર ફેબ્રુઆરી 2021 સુધી રહેવાનો છે.એટલે કે નવા ચીફ સેક્રેટરી 1લી માર્ચ 2021ના રોજ નિમવાના થશે.
ગુજરાત કેડરના આઇએએસ અને હાલ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન ગુરૂપ્રસાદ મહાપાત્રની સંભાવના એટલા માટે વધી જાય છે કે તેઓ પણ અનિલ મુકિમની જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુડબુકમાં છે.મહાપાત્ર એપ્રિલ 2022માં વયનિવૃત્ત થવાના છે, જ્યારે ચીફ સેક્રેટરીની રેસમાં જેમનું નામ છે તેવા પંકજકુમાર અને રાજીવકુમાર ગુપ્તા મે 2022માં વયનિવૃત્ત થઇ રહ્યાં છે.


