નવી િદલ્હી : સરકારને એપ્રિલથી અત્યાર સુધીમાં સીધા વિદેશી રોકાણ (FDI)ના લગભગ રૂ.૧૨,૦૦૦ કરોડના ૧૨૦ પ્રસ્તાવ મળ્યા છે.ભારતે એપ્રિલ મહિનાથી સરહદથી જોડાયેલા દેશોના કોઇ પણ ક્ષેત્રમાં રોકાણના પ્રસ્તાવ માટે સરકારી મંજૂરી ફરજિયાત બનાવી છે.જેના ભાગરૂપે ચીનને પણ ભારતમાં સીધા વિદેશી રોકાણ માટે સરકારી મંજૂરીની જરૂર છે.સરકારે પાડોશી દેશોના પ્રસ્તાવની સમીક્ષા માટે મંત્રીઓની આંતરિક સમિતિ બનાવી છે.સમિતિના જણાવ્યા અનુસાર મોટા ભાગના પ્રસ્તાવ બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટ્સ (એટલે કે વર્તમાન ભારતીય કંપનીઓ) માટે મળ્યા છે.ચાલુ વર્ષે એપ્રિલમાં ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT) દ્વારા એક પ્રેસનોટ જારી કરવામાં આવી હતી.જેમાં જણાવ્યા અનુસાર ‘ભારત સાથે સરહદથી જોડાયેલા દેશની કોઈ કંપની કે વ્યક્તિ દેશના કોઈ પણ ક્ષેત્રમાં રોકાણ કરવા માંગતી હોય તો તેણે સરકારી મંજૂરી લેવી જરૂરી છે.’
નિર્ણયનો મુખ્ય હેતુ સ્થાનિક કંપનીઓના વ્યૂહાત્મક ટેકઓવર અથવા એક્વિઝિશન્સને નિયંત્રિત કરવાનો હતો. DPIITના જણાવ્યા અનુસાર ‘અમને ચીન તરફથી લગભગ રૂ.૧૨,૦૦૦ કરોડના FDIના ૧૨૦-૧૩૦ પ્રસ્તાવ મળ્યા છે.’ ઉલ્લેખનીય છે કે, એપ્રિલ ૨૦૦૦થી સપ્ટેમ્બર ૨૦૨૦ના ગાળામાં ચીને ભારતમાં ૨.૪૩ અબજ ડોલર (રૂ.૧૫,૫૨૬ કરોડ)નું સીધું વિદેશી રોકાણ કર્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ચીનની કેટલીક કંપનીઓએ સરકારના વિવિધ કોન્ટ્રાક્ટના બિડિંગ માટે રજિસ્ટ્રેશન અંગે અરજી કરી છે.આવા પ્રસ્તાવ ગૃહ મંત્રાલયને મોકલવામાં આવ્યા છે.સૂત્રોના જણાવ્યા અનુસાર એકથી વધુ સંસ્થાઓનું ફન્ડિંગ ધરાવતા પ્રોજેક્ટ્સમાં બિડિંગ કરવા માટે ચીનની કંપનીઓ પર કોઈ નિયંત્રણ નથી.


