– અમિતાના પતિના રિમાન્ડ પૂર્ણ થતા માસૂમ પુત્ર પિતા સાથે લાજપોર જેલમાં જ રહેશે
– અમિતાના માતા-પિતાએ પુત્રીના બાળકની કસ્ટડી આપવા કરેલી અરજી કોર્ટે નકારી
સુરત : સુરતના ઉઘના પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ અમિતા જોશીના આપઘાત કેસમાં માસૂમ વાંક વિના જેલમાં રહેશે.અમિતાના જોશીના આપઘાત કેસમાં પિતા,સાસુ-સસરા અને બે નણંદો દુષ્પ્રેરણાના ગુનામાં લાજપોર જેલમાં બંધ છે.હવે તેના દીકરાએ પણ પિતા સાથએ રહેવાથી જીદ કરતા માસૂમને પણ લાજપોર જેલ ખસેડવામાં આવ્યો છે.કોર્ટમાં અમિતાના માતા-પિતાએ બાળકની કસ્ટડી આપવાની અરજી કાર્ટે નકારી દીધી છે.બાળકને કોર્ટમાં ત્રણવાર પૂછવામાં આવ્યું પણ તેણે પિતા સાથે રહેવાનું જણાવ્યું હતું.

અમિતાના પતિ,સાસુ-સસરા અને બે નણંદ જેલમાં જ છે
ગત 5 ડિસેમ્બરના રોજ ઉધના પોલીસમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા અમિતા જોશીને ફાલસાવાડી ખાતે પેટમાં ગોળી મારી આપઘાત કર્યો હતો.આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવાના કેસમાં મહીધરપુરા પોલીસે મૃત્તકના આરોપી પોલીસ પતિ વૈભવ જીતેશ વ્યાસ સહિત સાસરીયાઓની ગત 23મી ડીસેમ્બરના રોજ ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા.જે પૈકી મૃત્તકના આરોપી સસરા જીતેશ ઉર્ફે જીતુ રતીલાલ વ્યાસ સાસુ હર્ષાબેન,નણંદો મનીષાબેન તથા અંકિતાબેનને રિમાન્ડ ન માંગતા જેલ કસ્ટડીમાં મોકલાયા હતા.જ્યારે પતિ વૈભવના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા બાદ તેની અવધી પૂર્ણ થઇ હતી. વૈભવને કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડ નહી માંગી કોર્ટ કસ્ટડીમાં સોંપતો રિપોર્ટ મહિધરપુરા પોલીસના તપાસ અધિકારીને કર્યો હતો.
કોર્ટમાં માસૂમ બાળક જોરજોરથી રડીને પિતા સાથે રહેવાની વાત પર મક્કમ રહ્યો
બીજી તરફ મૃત્તક પીએસઆઈ અમિતા જોશીના ફરિયાદી પિતા બાબુલાલ જોશીએ માતાની છત્રછાયા ગુમાવનાર માસુમ દૌહિત્રનો કબજો સોંપવા માટે કોર્ટમાં માંગ કરી હતી. જેથી અગાઉ પિતાની સાથે રહેવા ટેવાયેલા તથા માતાનું છત્ર ગુમાવનાર માસુમ બાળકને કોર્ટે કોની સાથે રહેવા ઈચ્છે છે તે અંગે ત્રણ વાર પૂછ્યું હતું.જોકે બાળકે રડતા રડતા પોતાના પિતા સાથે જ રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.ફરિયાદી નાના સાથે જવાની ઈચ્છા બાબતે પૂછપરછ કરતાં માસૂમ બાળક જોરજોરથી રડીને પિતા સાથે જ રહેવાની વાત પર મક્કમ રહ્યો હતો. જેથી કોર્ટે બાળકની કસ્ટડી માંગનાર મૃત્તકના ફરિયાદી પિતાની અરજીને નકારી કાઢી આરોપી પિતા વૈભવ વ્યાસ સાથે માસૂમ બાળકને પણ લાજપોર સેન્ટ્રલ જેલમાં જેલ મેન્યુઅલના નિયમોના પાલન સાથે રાખવા નિર્દેશ આપતો હુકમ કર્યો હતો.
– અમિતાએ દીકરાને કરેલા અંતિમ કોલમાં દીકરાએ નોકરી છોડી દેવાનું કહ્યું હતું.
– આપઘાત પહેલાં દીકરા સાથે વિડિયો-કોલથી વાત કરી હતી
અમિતા જેશીનો દીકરો જૈનમ તેના દાદા-દાદીની સાથે રહે છે.આપઘાત પહેલા અમિતાએ સાસુ હર્ષાબેન અને દીકરા સાથે વિડિયો-કોલથી વાત કરી હતી.એ સમયે અમિતાએ દીકરાને કહ્યું હતું કે,તારી બહુ યાદ આવે છે.તો દીકરાએ કહ્યું હતું કે,તમે મારા માટે નોકરી છોડી દો.તેના થોડા સમયમાં અમિતા જોશીએ આત્મહત્યા કરી હતી.

– અમિતાના દીકરાએ રડતા રડતા પિતા સાથે રહેવાની જીદ કરી.
– બાળકને લઈ કોર્ટમાં ભાવુક દૃશ્યો સર્જાયા
અમિતાના આપઘાત કેસમાં આરોપી પતિને કોર્ટમાં રજૂ કરાયો ત્યારે પુત્ર પણ હતો.તેણે પિતાનો પીછો છોડ્યો જ નહતો.પોલીસ સ્ટેશનથી તે પિતાની સાથે જ હતો.કોર્ટેમાં જ્યારે તેને કબજો કોને સોંપવો એનો સવાલ આવ્યો ત્યારથી બાળક સતત રડતુ જ રહ્યું હતું અને બાળકને રહેવા અંગે પુછાયું ત્યારે પિતાનું નામ લીધું હતું.બાદમાં કોર્ટ રૂમની બહાર જઈ ફરી લવાયો અને તેને ચોકલેટ જોઇએ છે એમ પુછાયું હતું તો બાળકે મારી પાસે બિસ્કીટ છે એમ કહ્યું હતું.બાદ બે વાર પિતાનું જ નામ લીધું હતું.


