હેડ કોન્સ્ટેબલ સહિત પાંચના મોત, 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત
એજન્સી, નવી દિલ્હી
નાગરિકતા સુધારણા કાયદાના વિરોધમાં થઈ રહેલા હોબાળાએ ઉત્તર પૂર્વી દિલ્હીમાં હવે ખતરનાક રૂપ ધારણ કરી લીધું છે. ઉત્તર-પૂર્વ દિલ્હીમાં સોમવારના રોજ ભીષણ હિંસા થઈ હતી. મંગળવારના રોજ પણ મૌજપુર અને બ્રહ્મપુરી વિસ્તારમાં પથ્થરમારો શરૂ થઈ ગયો છે. દિલ્હી હિંસામાં અત્યાર સુધીમાં પાંચ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જેમાં હેડ કોન્સ્ટેબલ રતનલાલનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત આ હિંસામાં 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
મંગળવારે સવારે પણ અહીંની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. આજે સવાર-સવારમાં જ પાંચ ટૂ-વ્હીલર્સને આગ લગાવી દીધી હતી. ઘટનાસ્થળ પર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મોડી રાતથી સવાર સુધી મૌજપુર અને તેની સ-પાસના વિસ્તારોમાં આગચંપીના 45 કોલ્સ આવ્યા હતા. જેમાં ફાયરબ્રિગેડની ગાડી પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. જ્યારે એક ફાયરબ્રિગેડની ગાડીને સળગાવી દેવામાં આવી હતી. ફાયરબ્રિગેડના ત્રણ અધિકારીઓ પણ આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયા છે.
નોંધનીય છે કે સોમવારના રોજ નવી દિલ્હીમાં ગોકુલપુરી વિસ્તારમાં સંશોધિત નાગરિકતા કાયદા(સીએએ)ના વિરોધ દરમિયાન તોફાની તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં દિલ્હી પોલીસના એક હેડ કોન્સ્ટેબલને ગંભીર ઈજા પહોંચી હતી, જેમનું સારવાર દરમિયાન મોત થયાના અહેવાલો મળ્યા છે. ગોકુલપુરી વિસ્તારમાં થયેલા સંઘર્ષ દરમિયાન ડીસીપીને પણ ઈજા થઈ હોવાનું આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (એસીપી)એ જણાવ્યું હતું.
પથ્થરમારો કરવા ઉપરાંત તોફાની તત્વોએ ભજનપુરા વિસ્તારમાં એક પેટ્રોલ પમ્પને આગ પણ ચાંપી દીધી હતી. ફાયર બ્રિગેડના અનુસાર, આ ઘટનામાં પેટ્રોલ પમ્પ નજીક રહેલી એક કારમાં પણ આગ લાગી હતી. ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી તાત્કાલિક આગ બુઝાવી હતી. ત્યારે ફાયરકર્મીઓએ જોયું કે પેટ્રોલ પમ્પમાં તોડફોડ પણ કરવામાં આવી હતી.

