– આદિવાસી સમાજના વિકાસ માટે કરોડો રૂપિયાની યોજનાઓ મંજૂર કરાઇ
તાપી : તાપી જિલ્લાના વ્યારા તાલુકાના તાડકુવા અને બેડકુવા ગામે સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્યના આદિજાતિ વિકાસ,વન,મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષ સ્થાને રસ્તાઓના ખાતમુહુર્ત તથા ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો.
મંત્રી ગણપતસિંહ વસાવાએ તાડકુવા અને બેડકુવા ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે,આજના દિવસનું અનેરૂ મહત્વ છે.આપણા માજી વડાપ્રધાન સ્વ.અટલબિહારી વાજપેયીનો જન્મ દિવસ છે,જેને સરકારે સુશાસન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે.આદિવાસી સમાજના વિકાસ માટે સરકાર કરોડો રૂપિયાના ખર્ચે યોજનાઓ લાવી રહી છે.અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારની કાયાપલટ માટે સરકાર કટીબધ્ધ છે.તાડકુવા ગામે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના 2019-20 હેઠળ 3.30 કરોડના ખર્ચે તથા બેડકુવા ગામે પ્રધાનમંત્રી ખાણ ખનિજ ક્ષેત્ર યોજના અંતર્ગત રૂા. 3.35 કરોડના ખર્ચે રસ્તો પહોળો કરવાના કામનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતુ.મંત્રીએ નાતાલની શુભેચ્છા પાઠવી હતી.
કલેકટર આર. જે. હાલાણીએ જણાવ્યું હતું કે આદિજાતી વિસ્તારના ગામોમાં સરકારની યોજનાઓ અંતર્ગત શહેરો જેવી સુવિધા મળી રહે તેવો વહીવટી તંત્રનો પ્રયાસ છે. તાડકુવા ગામે કાનપુરા ગામથી ફલાવર સીટી,તોરણવાટીકા થઇ નહેરવાળા કાનપુરા મુસારોડ લંબાઈ 3.50 કિ.મી. રૂ 225 લાખ તેમજ ચીખલી ગામ તરફ જતો રસ્તો રૂા.105 લાખના ખર્ચે તૈયાર કરાશે.
પંચાયત વિભાગના કાર્યપાલક ઈજનેર બારોટે વિગતો આપતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી ખાણ ખનિજ ક્ષેત્ર યોજના અંતર્ગત બેડકુવા-ઘાસીયામેઢા રોડ લંબાઈ 4.20 કિ.મી.ના રસ્તાને પહોળો કરવાનું કામ રૂા.336.98 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવશે. પંચાયત બિલ્ડીંગ એટ વિલેજ બેડકુવા14 લાખના ખર્ચે તૈયાર કરાશે. રસ્તાઓના કામો થકી બેડકુવા,ઘાસીયામેઢા,કાળા વ્યારા,ખોડતળાવ,કણજા ગામના વિદ્યાર્થીઓ,નોકરી ધંધાર્થે જતા લોકો તથા ખેડૂતો માટે આશિર્વાદરૂપ બની રહેશે. આ પ્રસંગે પ્રાંત અધિકારી હિતેશ જોષી, મામલતદાર બી.બી.ભાવસાર, નાયબ પોલીસ અધિક્ષક એ.કે.પટેલ,નીતિન ગામીત,એ.પી.એમ.સી.ચેરમેન પ્રવિણ ગામીત,માજી ધારાસભ્ય પ્રતાપભાઈ ગામીત,સરપંચો સહિત ગ્રામજનો કોવિડની ગાઈડ લાઈનનું પાલન કરી સોશિયલ ડિસ્ટન્સ જાળવી ઉપિસ્થત રહ્યા હતા.


