નવીદિલ્હી, તા.29 : દેશમાં કોરોનાનો વિકરાળ પંજો ફરી વળવાને કારણે ધાર્મિક સ્થળો બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.જો કે હવે ધીમે ધીમે સ્થિતિ થાળે પડી રહી હોવાથી નિયમો સાથે ધાર્મિકસ્થાનોને શરૂ કરવામાં આવી રહ્યા છે.દરમિયાન કરોડો લોકોની આસ્થાના પ્રતિક સમાન જમ્મુ-કાશ્મીરમાં આવેલું વૈષ્ણોદેવીનું મંદિર નવ મહિના બાદ ‘અનલોક’ થતાં એક જ દિવસમાં 13 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ મંદિરનાં દર્શન કર્યા હતા.
વૈષ્ણોદેવીની યાત્રા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી હતી અને દરરોજ 15 હજાર લોકોની મર્યાદા પણ નિર્ધારિત કરાઈ હતી.જો કે 27 ડિસેમ્બરે સૌથી વધુ 13 હજાર શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચતાં ટૂર ઓપરેટર અને હોટેલ ઈન્ડસ્ટ્રીઝે રાહતનો શ્ર્વાસ લીધો હતો. લોકોના સતત ધસારાને જોઈ શ્રાઈન બોર્ડ દ્વારા સ્થળ ઉપર જ રજિસ્ટ્રેશન કરવાનું શરૂ કરી દેતાં દર્શનાર્થીઓને ઘણી જ રાહત પહોંચી હતી. જો કે હજુ સુધી આંતરરાજ્ય બસ સેવા શરૂ ન હોવા અને મર્યાદિત ટ્રેન હોવાને કારણે મોટાભાગના શ્રદ્ધાળુઓ અહીં પહોંચતા નથી.બીજી બાજુ નવા વર્ષથી રેલવે દ્વારા વધુ પાંચ ટ્રેન શરૂ કરવામાં આવશે ત્યારે વૈષ્ણોદેવી મંદિરની જૂની રોનક ફરી ઝગમગી ઉઠશે તેવો આશાવાદ અહીંના લોકો રાખી રહ્યા છે.


