દહેગામના આંત્રોલી ગામમાં એક ચોંકાવનારી ઘટના બની છે.જેમા માતાએ જ પોતાની બે દીકરીઓને નર્મદા કેનાલમાં ફેંકી દઇને અપહરણની વાત ઉડાવવાનો બનાવ સામે આવ્યો છે.ભાભીને નણંદ સાથે ઝઘડો થતા ભાભીએ પોતાની ચાર વર્ષ અને છ માસ એમ બે માસુમ દીકરીઓને કડાદરા નર્મદા કેનાલમાં ફેંકી દીધી હતી. ઉંડી શોધખોળ બાદ એક બાળકીનો મૃતદેહ મળ્યો હતો. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
નણંદ સાથે કંકાસ બાદ બે દીકરીઓને લઇ ઘરમાંથી નીકળી ગઇ હતી
ઘટનાની મળતી માહિતી પ્રમાણે, દહેગામ તાલુકાના આંત્રોલી ગામે રહેતા સિધ્ધરાજસિંહ રંગતસિંહ સોલંકીના લગ્ન 2014માં હાલીસા ગામની શિલ્પા સાથે થયા હતા. આ લગ્ન જીવનથી તેમને ઉર્વશી( ઉ.વ.4) અને શ્રધ્ધા (ઉ.વ.6 માસ)નો જન્મ થયો હતો.રવિવારે શિલ્પાબેન સાસરીમાં હતા તે સમયે નણંદ સરોજબેન સાથે દીકરીઓને નાસ્તો કરાવવા બાબતે કંકાસ થયો હતો.ત્યારબાદ શિલ્પાબેન સાસુના બ્લાઉઝ સિવડાવવા જવાનું કહીં 2 પુત્રી સાથે ઘરેથી નીકળ્યા હતા.
પોલીસને દીકરીઓના અપહરણની વાત કહી
સાંજે 4 વાગ્યે નર્મદા કેનાલના પુલ પરથી માતાએ માસૂમ 4 વર્ષની પુત્રી ઉર્વશી અને 6 માસની પુત્રી શ્રદ્ધાને કેનાલમાં ફેંકી દીધી હતી. 2 માસૂમ દીકરીઓને કેનાલમાં ફેંકી દેવાની ઘટના બાદ માતા શિલ્પાબેને પોલીસ કંટ્રોલરૂમમાં દીકરીઓ અપહરણની વાત કરી હતી.જેમાં પોતે દીકરીઓ સાથે ટ્રકમાં બેસી આવી રહ્યા હતા અને ટ્રકનો ડ્રાઈવર શિલ્પાબેનને ઉતારી બે માસૂમ પુત્રીઓનુ અપહરણ કરી ફરાર થઈ ગયો હોવાની જાણ કરી હતી.જે બાદ સ્થાનિક પોલીસે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
પતિને કહ્યું, હું ભાન ભૂલી ગઇ છું
પુત્રીઓને કેનાલમાં ફેંક્યા પછી આરોપી માતાએ અજાણ્યા વ્યક્તિ પાસેથી ફોન લઈને પતિને ફોન કર્યો હતો.તેમા પણ જૂઠ્ઠાણું ચલાવ્યું હતું કે,’હું ભાન ભૂલી છું, હાલમાં ક્યાં છું તેની ખબર નથી એવું કહ્યું હતું.ત્યારબાદ પતિ સિધ્ધરાજસિંહ માતા-પિતા અને કાકાના દીકરા સાથે ગાડી લઈ ગલુદણ પહોંચ્યા હતા. જ્યાં શિલ્પાબેનને દીકરીઓ વિશે પૂછતાં ‘હું ભૂલી ગઈ છું મને જગ્યા બરાબર યાદ નથી’ કહેતાં પતિ ગાડીમાં બેસીને મોટા જલુન્દ્રા પાસે કેનાલ પાસે પહોંચ્યા હતા.
આ રીતે ફૂટ્યો ભાંડો
સિદ્ધરાજસિંહ સહિતના લોકો કેનાલ પાસે પહોંચ્યા ત્યારે નજીકમાં આવેલા ગલ્લા પરથી એક વ્યક્તિએ આવી આખો ભાંડો ફોડ્યો હતો.એ ભાઇએ જણાવ્યું હતું કે,આ સ્ત્રીએ 2 નાના બાળકોને કેનાલમાં નાંખી દીધા છે.જે બાદ પતિએ કડક શબ્દોમાં પત્ની સાથે વાત કરતાં પત્ની આખી ઘટના જણાવી હતી.પત્નીએ કહ્યું હતું કે, નણંદ સાથે ઝઘડા બાદ છોકરીઓને મારી નાખવાનું નક્કી કરી ઘરેથી નીકળી હતી અને દીકરીઓેને કેનાલમાં નાંખવાની વાત કબૂલી હતી.


