અમદાવાદ : અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં અસાદુદ્દીન ઓવૈસીની એન્ટ્રી થવાની વાત વહેતી થતાની સાથે જ અમદાવાદ શહેરના કોંગ્રેસના કેટલાક કોર્પોરેટરોમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.ખાસ કરીને શહેરના મુસ્લિમ મતદારોની બહુમતીવાળા વોર્ડમાં માત્ર કોંગ્રેસના સિમ્બોલ ઉપર ચૂંટાતા નેતાઓમાં દોડધામ જોવા મળી રહી છે,સાથે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણી જાહેર થાય તે પહેલાં અમદાવાદ શહેરમાં ઓવૈસીના સંપર્કમાં કયા નેતાઓ છે ? તેની અંદરખાને તપાસનો આરંભ કરી દેવાયો છે.
ભારતીય ટ્રાઇબલ પાર્ટી (બીટીપી)ના સુપ્રીમો છોટુભાઇ વસાવાએ શનિવારે ટ્વિટ કરીને એવી જાહેરાત કરી હતી કે,બીટીપી અને અસાદુદીન ઓવૈસીની પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ગઠબંધન કરીને ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સાથે લડશે.આ જાહેરાત થતાની સાથે એવી ચર્ચાએ જોર પકડયું છે કે,અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં ઓવૈસી પોતાના ઉમેદવાર ઊભા રાખી છે.જોકે,અમદાવાદ શહેરમાં આદિવાસી મતદારોની સંખ્યા નિર્ણાયક નથી પણ મુસ્લિમ બહુમતીવાળા વોર્ડ એ કોંગ્રેસનો ગઢ ગણાય છે તેવા સંજોગોમાં ઓવૈસી અમદાવાદના મુસ્લિમ બહુમતીવાળા વોર્ડમાં જો ઉમેદવારો મેદાનમાં ઉતારે તો તેવા સંજોગોમાં કોંગ્રેસના કેટલાય કોર્પોરેટરો માટે ચૂંટણી જીતવી અઘરી બની શકે તેમ છે.આથી,કોંગ્રેસના કોર્પોરેટરોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
અમદાવાદ શહેરના દરિયાપુર,જમાલપુર,દાણીલીમડા, મક્તમપુરા વોર્ડ એ મુસ્લિમ બહુમતીવાળા વોર્ડ છે જ્યાં કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે જ્યારે બહેરામપુરા,ગોમતીપુર,બાપુનગર,સરખેજ,સરસપુર-રખિયાલ જેવા વોર્ડમાં દલિત,મુસ્લિમ અને હિંદીભાષી મતદારોનું કોમ્બિનેશન કોંગ્રેસની જીત મનાય છે. આવા વોર્ડમાં મુસ્લિમ મતદારોનું ધ્રુવીકરણ ભારે નુકસાન કરી શકે છે.બીજી તરફ ચાંદખેડા,ઇન્ડિયા કોલોની,વિરાટનગર,લાંભા,રામોલ-હાથીજણ કે પછી સ્ટેડિયમ જેવા વોર્ડમાં કોંગ્રેસ ટક્કર આપે છે પણ પેનલ જીતતી નથી.અહીં કોંગ્રેસના કોર્પોરેટરો વ્યક્તિગત કામના આધારે જીતે છે.આવા સંજોગોમાં જો ઓવૈસીની એન્ટ્રી થાય તો મુસ્લિમ યુવા મતદારોનું ધ્રુવીકરણ શક્ય બને તેમ છે જેથી માત્ર કોંગ્રેસના સિમ્બોલ ઉપર જીતતા ઉમેદવારોને ભારે કસરત કરવી પડી શકે છે.


