– ભરૂચ અને વાલિયામાં બીટીપીના નેતાઓની એઆઇએમઆઇએમના સાંસદ સાથે બેઠક યોજાઈ
– બીટીપી અને એઆઇએમઆઇએમ સાથે રહી ગુજરાતના દવાયેલા લોકોનો અવાજ બનશે : ઈમ્તિયાઝ ઝલીલે
ભરૂચ : સ્થાનિક સ્વારાજની ચૂંટણીના દિવસો નજીક આવે તેમ તેમ ભરૂચ જિલ્લાના રાજકારણમાં ભર શિયાળામાં ગરમાવો આવી રહ્યો છે.રાજસ્થાનની ચૂંટણીમાં બદલાયેલા સમીરકણોની અસરને કારણે હવે ભરૂચ-નર્મદાની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો પર અસરો વર્તાઇ રહી છે.ભરૂચ-નર્મદા જિલ્લામાં બીટીપીએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યા બાદ હવે બીટીપી અસુદ્દિન ઓવૈસીની પાર્ટી એઆઇએમઆઇએમ સાથે ગંઠબંધનથી ચૂંટણી લડશે.ત્યારે ભરૂચ અને વાલિયામાં આજે બીટીપી અને એઆઇએમઆઇએમના સાંસદ સાથે બેઠકનું આયોજન થયું હતું.જેમાં ભાજપ અને કોંગ્રેસને જાકારો અપાવવા એઆઇએમઆઇએમ ગઠબંધન જરૂરી હોવાનું બીટીપીના ધારાસભ્ય છોટુ વસાવાએ જણાવ્યું હતું.સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીમાં છોટુ વસાવા તથા ઓવૈસી ગઠબંધન કરી ચૂંટણીઓ લડશે.
આગામી ચૂંટણીની રણનિતી નક્કી કરશે
એઆઇએમઆઇએમના સાંસદ અને માજી ધારાસભ્ય બીટીપીના ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવા અને ડેડિયાપાડા તાલુકાના ધારાસભ્ય મહેશ વસાવા સાથે બેઠક યોજાઈ હતી.એઆઇએમઆઇએમના મહારાષ્ટ્રના સાંસદ બીટીપીના આગેવાનો સાથે મનોમંથન કરી આગામી ચૂંટણીની રણનિતી નક્કી કરશે.લઘુમતીના મતોને આકર્ષવા કે એક પક્ષને મજબૂત બનાવવા માટે બીટીપી અને એઆઇએમઆઇએમ ગઠબંધન બનાવ્યું છે.એઆઇએમઆઇએમના સાંસદ ઈમ્તિયાઝ ઝલીલે જણાવ્યું હતું કે, બીટીપી અને એઆઇએમઆઇએમ સાથે રહી ગુજરાતના દવાયેલા લોકોનો અવાજ બનશે.
એઆઇએમઆઇએમ નેતાઓનું ભવ્ય સ્વાગત કરાયું
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકારણમાં નવો જ વળાંક આવ્યો છે. રાજસ્થાનની ડુંગરપુર જિલ્લા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસે મળી બીટીપીને સત્તાથી દૂર રાખતા બીટીપી નારાજ થયું છે અને ભરૂચ તેમજ નર્મદા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે તો હવે હૈદરાબાદની અસુદ્દીન ઓવૈસી ફેમ એઆઇએમઆઇએમ સાથે ગઠબંધન સ્થાનિક સ્વરાજ્યની ચૂંચણી લડવા તૈયારી ચાલી રહી છે.જેના ભાગરૂપે ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાના માલજીપૂરા સ્થિત નિવાસ સ્થાને બન્ને સંગઠનના આગેવાનો વચ્ચે બેઠક યોજાઇ હતી.આ પૂર્વે ભરૂચની ઝાડેશ્વર ચોકડી ખાતે એઆઇએમઆઇએમના મહારાષ્ટ્રના સાંસદ ઇમ્તિયાઝ ઝલીલે અને માજી ધારાસભ્ય વારીશ પઠાણનું બીટીપી તેમજ સ્થાનિક આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ભાજપ-કોંગ્રેસ મુક્ત ગુજરાતે અમારા ગઠબંધનનો નારો
બીટીપી ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે દેશ ભલે આઝાદ થયો પણ એસસી,એસટી,ઓબીસી અને મુસ્લિમોને આઝાદી મળી જ નથી.અમે અગાઉ કોંગ્રેસ અને બીજેપી સાથે ગઠબંધન કર્યું પણ આદિવાસી સમાજનું કોઈ ભલું થયું જ નહિ એઆઇએમઆઇએમના અસુદ્દીન ઓવૈશી દેશમાં બંધારણ માટે લડે છે એટલે જ અમે એમની સાથે ગઠબંધન કર્યું છે.ભાજપ સરકારે આદિવાસીઓના હક,અધિકારો નથી આપ્યા.ઈકો સેન્સિટિવ ઝોન કાયદો બનાવી નર્મદા જિલ્લાના 121 ગામોના આદિવાસીઓની જમીન પણ છીનવી લેશે, સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેકટમાં પણ 17 ગામોની જમીન સરકારે છીનવી લીધી.ભાજપ સરકાર આદિવાસીઓને આતંકવાદી અને નક્સલવાદી બનાવી દે છે,ભાજપ-કોંગ્રેસ મુક્ત ગુજરાતએ અમારા ગઠબંધનનો નારો છે.અમે એઆઇએમઆઇએમના નેતાઓ સાથે બેઠકોની વહેચણી મુદ્દે ચર્ચાઓ કરીશું,આવનારી વિધાનસભા ચૂંટણીમાં પણ બીટીપી-એઆઇએમઆઇએમ સાથે ગઠબંધન કરી ચૂંટણી લડશે.
બીટીપી-એઆઇએમઆઇએમ નવા વિકલ્પના રૂપમાં આવ્યું
એઆઇએમઆઇએમના નેતા અને મહારાષ્ટ્રના ઔરંગાબાદના સાંસદ ઈમ્તિયાઝ ઝલીલે જણાવ્યું હતું કે ગુજરાતના યુવાનો અવાર નવાર હૈદરાબાદ આવીને અસદુદ્દીન ઓવૈશીને કેહતા હતા કે ગુજરાતમાં એઆઇએમઆઇએમએ આવવું જોઈએ,હવે એ યુવાનોની ઈચ્છા પૂર્ણ થશે.છોટુભાઈ વસાવા અને અસદુદ્દીન ઓવૈશીએ રાજનીતિ ઓછી પણ સેવા વધારે કરે છે અને હમેશા સંવિધાનની વાત કરે છે એટલે આ ગઠબંધન થયું છે.ગુજરાતની રાજનીતિમાં પેહલા ફક્ત કોંગ્રેસ-ભાજપ એમ 2 જ ખેલાડી હતા એટલે લોકો કમને પણ બન્નેમાંથી એક પાર્ટીને મત આપતા હતા, પણ હવે બીટીપી-એઆઇએમઆઇએમ નવા વિકલ્પના રૂપમાં આવ્યું છે.અમારું તાકતવર જોડાણ હશે લોકોના પ્રશ્ન હલ કરવા અમારી પ્રાથમિકતા રહેશે.અમારી પાર્ટીના આવવાથી કોને ફાયદો થશે કે કોને નુકશાન જશે એની સાથે અમારે કોઈ લેવા દેવા નથી.અમે તો અમારા ફાયદા માટે ગુજરાત આવ્યા છે.અમારો ફાયદો એટલે અત્યાર સુધી એસસી,એસટી,ઓબીસી અને માયનોરિટીને જે પાછળ રાખ્યા એમને આગળ કરવા એ જ અમારો ફાયદો.
છોટુભાઈ વસાવા-મહેશભાઈ વસાવાને હૈદરાબાદ આવવા આમંત્રણ
ઈમ્તિયાઝ ઝલીલે વધુમાં જણાવ્યું હતું કે અમે એઆઇએમઆઇએમના સંગઠન બાબતે બીટીપીને પુછીશું સારા વ્યક્તિને જોડીશું.ગુજરાતમાં અસદુદ્દીન ઓવૈશીના ચાહવાવાળા ઘણા લોકો છે, એવા લોકો જોશથી કામ કરે છે એટલે એવા લોકોનો જોશ અને છોટુભાઈ વસાવા-મહેશભાઈ વસાવાનો હોશ મળી જશે એટલે અમે ગુજરાતમાં તેહેલકો મચાવીશું.કોંગ્રેસ-ભાજપ માંથી નારાજ લોકોને ટીકીટ આપશો એ પ્રશ્નના જવાબમાં એમણે જણાવ્યું કે અમારા દરવાજા દરેક લોકો માટે ખુલ્લા છે.અમે છોટુભાઈ વસાવા-મહેશભાઈ વસાવાને હૈદરાબાદ આવવા આમંત્રણ આપવા આવ્યા છે,તેઓ હૈદરાબાદ આવે અને અસુદ્દીન ઓવૈશીના કાર્યોને જાતે જોવે, હૈદરાબાદમાં અસદુદ્દીન ઓવૈશી સાથે બેઠક બાદ આગળની રણનીતિ અને ચૂંટણી ઢંઢેરા બાબતે જાહેરાત કરાશે.


