નાગપુર, તા. 5 જાન્યુઆરી : દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલન વચ્ચે આરએસએસનું હેડક્વાર્ટર આવેલુ છે તે નાગપુરમાં એક ખેડૂત નેતા અરૂણ બનકરે કહ્યું છે કે જો ખેડૂતો પર ગોળીઓ ચલાવવામાં આવી તો રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘનું હેડક્વાર્ટર ઉડાવી દઇશું.
મહારાષ્ટ્ર રાજ્ય કિસાન સભા નાગપુરના મહાસચિવ અરૂણ બનકરના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે જેમાં તેઓએ ચીમકી આપી છે કે જો ખેડૂતો પર સરકારે ગોળીઓ ચલાવી તો સંઘનું નાગપુર સિૃથત હેડક્વાર્ટર છે તેને ઉડાવી દેવામાં આવશે.જોકે આ ખેડૂત નેતા દિલ્હીમાં ચાલી રહેલા આંદોલન સાથે જોડાયેલા નથી. કે આંદોલનકારી ખેડૂતોએ આ નેતાના નિવેદનને સમર્થન નથી આપ્યું.
જ્યારે દિલ્હીમાં આંદોલન કરી રહેલા ખેડૂતોએ છઠ્ઠી તારીખે ટ્રેક્ટર રેલીનું આયોજન કર્યું હતું, જોકે ખરાબ વાતાવરણને કારણે આ ટ્રેક્ટર રેલીને હવે સાતમી તારીખે યોજવાની જાહેરાત કરાઇ છે.
સિંધુ બોર્ડર પર મીડિયા સાથે વાતચીત કરતી વેળાએ સ્વરાજ અભિયાનના નેતા યોગેન્દ્ર યાદવે કહ્યું હતું કે સરકાર અમારી માગણીઓને લઇને કઇ જ નથી કરી રહી, જેને પગલે આગામી સાતમી તારીખે દિલ્હી તેમજ અન્ય રાજ્યોમાં આંદોલન કરી રહેલા ખેડૂતો ટ્રેક્ટર રેલી કાઢશે. સિંધુ, ટિકરી, ગાઝીપુર, શાહજહાનપુર, કુંડલી, માનેસર વગેરે સરહદે ખેડૂતો આંદોલન પર બેઠા છે અને તેઓ આ રેલીમાં ભાગ લેશે.

