સુરત,8 જાન્યુઆરી ( હિ.સ.):નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સુરત દ્વારા જિલ્લાના ખેડુતોને મધમાખી પાલન અંગેની વ્યાવસાયિક તાલીમ આપવામાં આવી હતી.જેમાં 20 જેટલા ખેડૂતોએ ઉત્સાહપુર્વક ભાગ લઈ મધમાખી પાલન અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.આ પ્રસંગે વરિષ્ઠ વૈજ્ઞાનિક અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ડો.જે.એચ.રાઠોડે જણાવ્યું હતું કે,સુરત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂતોને ખેતી તેમજ પશુપાલનને લગતી વિવિધ પ્રકારની તાલીમો પૂરી પાડવામાં આવે છે.ઉત્તમ મધની દેશવિદેશમાં માંગ હોવાથી ખેડૂતો ખેતીની સાથોસાથ મધમાખી પાલનને પણ પૂરક વ્યવસાય તરીકે અપનાવી વધારાની આવક મેળવી શકે છે એમ જણાવી તેમણે કેન્દ્રની વિવિધ કૃષિલક્ષી પ્રવૃતિઓ અંગે માર્ગદર્શન આપ્યુ હતુ.
કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક(પાક સંરક્ષણ) ડો.એસ.કે.ચાવડાએ મધમાખી પાલનના મહત્વ અંગે ઉપયોગી જાણકારી આપી હતી.વ્યવસાયે શિક્ષક ભગુભાઈ પટેલ તેમજ અર્પિત ઓર્ગેનિક્સના વિનોદભાઈ નકુમે મધમાખી પાલન અંગેની પ્રેક્ટિકલ તાલીમ આપી હતી.ખેડૂતોને પ્રોત્સાહન મળી રહે એ માટે જિલ્લા બાગાયત નિયામકશ્રી ડી.કે. પડાલિયાએ મધમાખી પાલન અંગેની બાગાયત ખાતાની વિવિધ સહાયકારી યોજનાઓ અને મધમાખીનું ફલીનીકરણમાં મહત્વ અંગે વિસ્તૃત સમજ આપી હતી.


