– સામનામાં ભાજપની આકરી ટીકા કરવામાં આવી
મુંબઇ તા.19 : મહારાષ્ટ્ર રાજ્યમાં થયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં અઘાડીનો વિજય થયો હતો.એમાંય શિવસેના પહેલા ક્રમે અને ભાજપ બીજા ક્રમે આવ્યો હતો.સૌથી વધુ કફોડી દશા કોંગ્રેસ પક્ષની હતી. એક સમયે જે રાજ્યમાં કોંગ્રેસની બોલબાલા હતી ત્યાં કોંગ્રેસ ચોથા ક્રમે આવ્યો હતો.આ તકનો લાભ લઇને શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં ભાજપની આકરી ટીકા કરી હતી.
મહારાષ્ટ્રમાં 34 જિલ્લાની 12,711 ગ્રામ પંચાયતોની ચૂંટણી તાજેતરમાં થઇ હતી.એમાં સૌથી વધુ બેઠકો સાથે શિવસેના પહેલા ક્રમે આવી હતી.શિવસેનાએ 3,113 બેઠકો મેળવી હતી જ્યારે બીજા ક્રમે આવેલા ભાજપે 2632 બેઠકો પર વિજય મેળવ્યો હતો.2400 બેઠકો સાથે શરદ પવારનો એનસીપી પક્ષ ત્રીજા નંબરે આવ્યો હતો જ્યારે 1823 બેઠકો સાથે કોંગ્રેસનો ચોથો નંબર હતો.રાજ ઠાકરેના મહારાષ્ટ્ર નવનિર્માણ પક્ષે માત્ર 36 બેઠકો મેળવી હતી એટલે કે રાજ ઠાકરેનું રાજકીય સ્થાન હજુ સુદ્રઢ થયું નથી.એનસીપી કરતાં વધુ બેઠકો મેળવીને અપક્ષો મજબૂત પુરવાર થયા હતા. અપક્ષોએ 2,344 બેઠકો મેળવી હતી.
વાસ્તવમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની તળે ચાલી રહેલી રાજ્ય સરકાર માટે અને અઘાડી ગઠબંધન માટે આ પહેલો સૌથી મોટો પડકાર હતો. અઘાડી સત્તા પર આવ્યા પછી આ પહેલી મોટી ચૂંટણી હતી જેમાં વિજય મેળવીને શિવસેનાએ પોતાનું વર્ચસ્વ પુરવાર કરી બતાવ્યું હતું.
રાજ્યમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની સરકાર છે. એ જોતાં ત્રણ પક્ષોનો સરવાળો માંડીએ તો અઘાડીએ આશરે સાત હજાર બેઠકો પર વિજય મેળવ્યો હતો.આ જેવી તેવી સિદ્ધિ નથી. જો કે ભાજપે તમાચો મારીને ગાલ લાલ રાખતાં એવો દાવો કર્યો હતો કે અમે જેમને સમર્થન આપ્યું હતું એવા ઘણા અપક્ષો પણ ચૂંટણી જીત્યા હતા.આમ તો મહારાષ્ટ્ર રાજ્યની ગ્રામ પંચાયતોની ચૂંટણી 2020ના માર્ચમાં થવાની હતી.પરંતુ કોરોના મહામારીના કારણે મુલતવી રાખવામાં આવી હતી. આ ચૂંટણીમાં 79 ટકા મતદાન થયું હતું.શિવસેનાએ સામનામાં લખ્યું હતું કે ભાજપે હવે સમજી લેવાની જરૂર છે કે સીબીઆઇ, ઇડી કે ઇન્કમટેક્સ વિભાગની મદદથી ચૂંટણી જીતી નહીં શકાય. ભાજપે અઘાડી સરકારને બદનામ કરવાના ખૂબ પ્રયાસો કર્યા પરંતુ ફાવ્યા નહીં.


