સુરત મનપાની ચૂંટણીમાં ભાજપ ઉમેદવારી કરવા માંગતા દાવેદારોને સાંભળવાની પ્રક્રિયાના પહેલા દિવસે 16 વોર્ડમાંથી કુલ 1041 લોકોએ દાવેદારી નોંધાવી ફોર્મ જમા કરાવ્યા હતા.55 વર્ષથી વધુ ઉંમરનાએ દાવેદારી ન કરવાની પ્રદેશ પ્રમુખની ટકોરને પણ કિનારે કરી કેટલાક જુના જોગીઓ પણ કિસ્મત અજમાવવા નિરીક્ષકો સામે પોતાની પ્રોફાઈલ સાથે રજૂ થયા હતા.
ઉમેદવારી વાંન્છૂકો તેમના સમર્થકો સાથે આવતાં હોય ટોળેટોળા રસ્તાઓ કાર્યાલયમાં ભેગા થતાં કોરોના કાળમાં માસ્ક-સોશ્યલ ડિસ્ટંન્સીંગના ધજાગરા ઉડ્યા હતાં.કાર્યાલયમાં કોરોના ગાઈડ લાઈનની સુચનાઓના બેનર,હેન્ડ સેનિટાઈઝર મશીન પણ શોભાના ગાંઠિયા સમના જ પુરવાર થયા હતા.
વોર્ડ ન.8-13માં સહુથી વધુ 80 તથા વોર્ડ ન.4માં સહુથી ઓછા 36 દાવેદારો
રવિવારે શહેર ભાજપ કાર્યાલય ઉપરાંત અન્ય 5 જગ્યાએ ચાલેલી સેન્સ લેવાની પ્રક્રિયામાં સહુથી વધુ દાવેદારો વોર્ડ ન.8 (ડભોલી -સિંગણપોર )અને 13 (વાડીફળીયા -નવાપુરા -બેગમપુરા -સલાબતપુરા)માંથી 80-80 દાવેદારો સામે આવ્યા હતા.જયારે સહુથી ઓછા વોર્ડ નં.4 કાપોદ્રામાંથી સામે આવ્યા હતા.
નિરીક્ષકોએ દાવેદારોને પૂછ્યું સોશિયલ મીડિયા પર કેટલા ફોલોઅર્સ છે ?
ભાજપમાંથી દાવેદારી કરવા માંગતા લોકો પાસે ફોર્મમાં ઘણી જાણકારી માંગવામાં આવી હતી જેમાં રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર નિધિમાં કેટલું દાન આપ્યું ? સોશિયલ મીડિયા પર કેટલા એક્ટિવ છો? વગેરે પ્રશ્ન હતા આ ઉપરાંત અલગ અલગ સોશિયલ મીડિયા પર કેટલા ફોલોવર્સ છે અને સરકારી યોજનાનો લાભ કેટલા લોકો સુધી પહોંચાડ્યો વગેરે પ્રશ્ન પણ નિરીક્ષકો દ્વારા કરવામાં આવ્યા હતા.દાવેદારોને એવું પણ પૂછવામાં આવ્યું હતું કે તમને ટિકિટ ન આપીએ તો શું કરશો? પેજ કમિટી બનાવી છે કે નહિ?
ઘણાએ કરી 2 વોર્ડમાંથી દાવેદારી
નિરીક્ષકો સામે પોતાની પ્રોફાઈલ લઈ રજૂ થયેલા દાવેદારો પૈકી કેટલાક દાવેદારોએ પોતાની 20થી 30 વર્ષ સુધીની રાજકીય અને સામાજિક પ્રોફાઈલ રજૂ કરી હતી.વોર્ડ નં.24માંથી દાવેદારી કરનાર રંજનાસીંગ રાજપૂત 2010માં નગર સેવિકા હતા એમને વોર્ડ નં.24 ઉપરાંત વોર્ડ નં.28માંથી પણ ટિકિટ માંગી હતી.આ ઉપરાંત પણ કેટલાક દાવેદારોએ 2 વોર્ડમાંથી ટિકિટ માંગી હતી.
કેટલાક દંપતી ટિકિટ માટે એકબીજાના હરીફ બન્યા
કોર્પોરેટર રહેલી પત્નીઓ સાથે પૂર્વ કોર્પોરેટર રહેલા પતિઓ બંને ટિકીટોની માંગણી કરી છે.શાસક પક્ષના ઉમેદવાર નક્કી કરવાના કાર્યક્રમમાં ઘણાં પૂર્વ કોર્પોરેટરોએ પત્નીની તો પત્નીએ પતિની ટિકીટ માંગણી કરી છે.એકએ તો એવું પણ કહી નાખ્યું હતું કે મને ટિકિટ ન આપો તો કઇ નહીં પત્નીને આપજો.
કોંગ્રેસના દાવેદારોએ ગ્રુપ મિટીંગોનો દોર શરૂ કર્યો
કોંગ્રેસના દાવેદારોએ ગ્રુપ મિટીંગોનો દૌર શરૂ કરી દીધો છે.આ સાથે વોર્ડ વાઇઝ દાવેદારો સ્થાનિક આગેવાનો-નેતાઓ સાથે જનસંપર્ક અભિયાનમાં જોડાયા છે. નોંધનીય છે કે,2015ની ચુંટણીમાં પાટીદાર આંદોલન ફેક્ટરથી કોંગ્રેસની બેઠક 14થી સીધી 36 થઇ ગઇ હતી.
નિવૃત્ત એરફોર્સ ઓફિસરે ટિકિટ માંગી,કહ્યું-દેશ સેવા કરી હવે શહેરની કરવી છે
ભાજપના નિરિક્ષકો પાસે અડાજણમાં રહેતાં 63 વર્ષીય કાંતિલાલ માંજરાવાલા વાયુદળના નિવૃત્ત ઓફિસરે ચૂંટણી લડવા માટે ટિકિટની માંગણી કરી ચૂંટણી લડવા ઉત્સુક્તા દર્શાવી છે.તેમનું કહેવું હતું કે,‘સી.આર.ભાઈએ 55 વર્ષથી વધુની ઉંમરનાને ના કહી છે પરંતુ દેશ સેવા કરી નિવૃત્ત થયા હવે આપણા શહેરની સેવા કરવી છે.તો અમને ટિકીટ મળવી જોઈએ.’તેમણે ભાસ્કરને જણાવ્યું હતું કે,ભારતીય વાયુસેનામાં ફેબ્રુઆરી 1978 થી ફેબ્રુઆરી 1993 સુધી 15 વર્ષ સુધી ફરજ બજાવી છે.છેલ્લા ચાર વર્ષથી સામાજિક સેવા પ્રવૃત્તિમાં જોડાયા છીએ. 55 વર્ષથી વધુ વય છે દેશ સેવા કરી હવે શહેરની સેવા કરવી છે.


