કેન્દ્ર સરકારનાં ત્રણ નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોનું આંદોલન આજે 62 માં દિવસે પ્રવેશ કરી ચૂક્યું છે.કાયદાઓ રદ કર્યા વગર ખેડૂત મેદાન છોડવા તૈયાર નથી.જણાવી દઇએ કે,દિલ્હી પોલીસની મંજૂરી મળ્યા બાદ આજે પ્રજાસત્તાક દિન નિમિત્તે ખેડૂતો ત્રણેય કૃષિ કાયદાની વિરુધ્ધ દિલ્હીમાં ‘ટ્રેક્ટર પરેડ’ નિકાળવાના છે.આ માટેની સંપૂર્ણ તૈયારી પહેલા જ કરી દેવામાં આવી હતી.
જો કે,કેટલાક મીડિયા અહેવાલો અનુસાર,સિંઘુ,ટિકરી અને લોની સરહદ પરનાં ખેડૂતોએ દિલ્હી પોલીસ દ્વારા લગાવવામાં આવેલા બેરિકેડ્સ તોડી નાખ્યા છે અને પ્રજાસત્તાક દિનની ઉજવણી પહેલા દિલ્હીમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા છે.આપને જણાવી દઇએ કે,આ પહેલા ખેડૂતોએ પરેડ માટે ટ્રેકટરોની સફાઇ કરી હતી. ત્રિરંગો અને બેનરો લગાવવામાં આવ્યા છે.પ્રજાસત્તાક દિનની ઉજવણી અને ખેડૂતોનાં સૂચિત ટ્રેક્ટર પરેડને ધ્યાનમાં રાખીને રાજપથ અને રાષ્ટ્રીય રાજધાનીની અનેક સરહદો પર હજારો સશસ્ત્ર સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.

