અમદાવાદ : દુષ્કર્મના આરોપી પાસેથી રૃપિયા ૩૫ લાખની લાંચકાંડમાં આરોપી પી.એસ.આઇ. શ્વેતા જાડેજાના બનેવી દેવેન્દ્ર નાથાભાઇ ઓડેદરાને ફરાર જાહેર કરવાની માગણી કરતી એ.સી.બી.ની અરજી સ્પેશિયલ કોર્ટે મંજૂર કરી છે.એ.સી.બી. તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે દેવેન્દ્ર શ્વેતા વતી લાંચ સ્વીકારતો હતો અને તે છ મહિનાથી ફરાર છે.ઉલ્લેખનીય છે કે આ કેસમાં લાંચની રકમ હજુ સુધી રિકવર થઇ નથી.
સ્પેશિયલ કોર્ટમાં એ.સી.બી. તરફથી ખાસ સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે રજૂઆત કરી હતી કે આરોપી પી.એસ.આઇ. અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશન(પશ્ચિમ)માં ફરજ બજાવતા હતા.તેમણે આરોપીને છાવરવા લાંચ માગી છે અને તે અંગેના પુરાવાઓ પણ તપાસ દરમિયાન મળ્યા છે.લાંચના પૈસા શ્વેતાના રાજકોટના ઉપલેટમાં રહેતા બનેવી દેવેન્દ્ર ઓડેદરાને મોકલવામાં આવતા હતા.દેવેન્દ્રએ આ લાંચ આંગડિયા દ્વારા સ્વીકારી હોવાના પણ પુરાવાઓ છે.દેવેન્દ્ર તેના ઘરે તેમજ સંભવતઃ આશ્રયસ્થાઓએ મળી ન આવતા સી.આર.પી.સી. કલમ-૭૦ મુજબ તેની સામે વોરંટ પણ જારી કરવામાં આવ્યું હતું.જો કે આમ છતાં તેની ભાળ હજુ મળી નથી.તેની ધરપકડ વગર કેસની મહત્વની વિગતો બહાર આવી શકે તેમ ન હોવાથઈ તેને ફરાર જાહેર કરવો જોઇએ.કોર્ટે આ રજૂઆત ગ્રાહ્ય રાખી દેવેન્દ્રને ફરાર જાહેર કરવાની મંજૂરી આપી છે.


