– વોર્ડ નં.5માં શૌચાલયના અભાવે રહીશોને ખુલ્લામાં હાજતે જવાની નોબત
– સભ્યએ ડબ્બો ઉંચકી હવામાં ગોળ ફેરવીને જમીન પર પટકી રોષ ઠાલવ્યો
વલસાડ : વલસાડ પાલિકા શહેરમા 100 ટકા શૌચાલયોનો દાવો કરી રહી છે,પરંતુ વોર્ડ નં.5માં સ્લમ વિસ્તાર માટેના શૌચાલયોની બદતર હાલત છે.બારણા વિનાના શૌચાલયો ખંડેર અવસ્થામાં હોવાથી સ્થાનિક મહિલાઓને રાત્રે કે વહેલી મળસ્કે બહાર જવાની નોબત આવતા ભાજપના આ વોર્ડના સભ્ય પ્રવિણ કચ્છીએ પાલિકાના સત્તાધીશોને વારંવાર રજૂઆતો કરી હતી.છતાં આજદિન સુધી કોઇ ઉકેલ આવ્યો ન હતો.ગુરૂવારે પ્રમુખ કિન્નરી પટેલની અધ્યક્ષતામાં મળેલી સામાન્ય સભામાં આ મહિલાઓ શૌચાલયનો ડબ્બા સાથે આવી પહોંચી હતી.વોર્ડના સભ્ય પ્રવિણ કચ્છીએ આક્રોશમાં શૌચાલયનો ડબ્બો શાસકો સામે જ હવામાં ગોળ ફેરવીને ફલોર ઉપર પછાડી જમીન પર બેસી જઇ મહિલાઓની તકલીફો દૂર કરવા કાર્યવાહી કેમ કરાતી નથી તેવો ભારે બૂમબરાડા સાથે આક્રોશ વ્યક્ત કરતા સભામાં હંગામો મચી ગયો હતો.
વિપક્ષના સભ્યોએ પાણી અને શૌચાલય મુદ્દે શાસકોને ઘેર્યા
પ્રવિણ કચ્છી અને વોર્ડની મહિલાઓનો આક્રોશ જોઇને વિપક્ષના સભ્યો રાજૂ મરચાં,સંજય ચૌહાણ,સોનલ પટેલ સહિત સભ્યોએ કામો ન કરવાના મુદ્દે શાસકોને ઘેરી બરાડા પાડતા સભાખંડમાં ધક્કાધક્કી અને ભારે ધાંધલી સર્જાઇ હતી.રાજૂ મરચાંએ તેમના વોર્ડમાં છેલ્લા એક મહિનાથી પાણીની તંગી અંગે ઉગ્ર વિરોધ રજૂ કર્યો હતો.
આ મુદ્દે વિપક્ષ નેતાનો વાંધો
વિપક્ષ નેતા ગીરીશ દેસાઇએ સભા બોલાવવા માટે ચોખ્ખા 7 દિવસ મળ્યા ન હોવાનો મુદ્દો ઉઠાવી પ્રમુખ પાસે સ્પષ્ટતા માગી હતી.પ્રમુખે સભા નિયમ મુજબ છે તેવું જણાવતા વિપક્ષ નેતાએ સભાના આયોજન સામે જ વાંધો રજૂ કરી મિનિટ્સમાં નોંધ કરાવવા જણાવ્યું હતું.
4 અપક્ષ સામે વિપક્ષનો હુમલો
ચાર સભ્યો નિતેશ વશી, યશેષ માલી, ઝાકિર પઠાણ અને રમેશ ડેની તાજેતરમાં ભાજપમાં જોડાયા હોવા અંગે વિપક્ષ નેતા ગીરીશ દેસાઇએ રોષ ઠાલવી ટકોર કરતા ઝાકિર પઠાણે અમો શહેરના વિકાસ માટે ભાજપના ટેકામાં છીએ, જોડાયા નથી તેવો જવાબ આપ્યો હતો.
આ છે 14 સમિતિના નવા ચેરમેનો
કારોબારી ચેરમેન: છાયા ઉમેશ પટેલ ,આરોગ્ય સમિતિ: ઉજેશ પટેલ ,વોટર વર્કસ : ઉર્મી દેસાઇ , એસ્ટાબ્લિશમેન્ટ સમિતિ : ઋષિકા આહિર , ડિસ્પેન્સરી સમિતિ : પ્રવિણ સોમાભાઇ પટેલ , ફાયર એન્ડ લાઇટ સમિતિ : ધર્મેશ અરવિંદભાઇ પટેલ , જાહેર બાંધકામ કમિટિ : ભરત પટેલ, ટીપી કમિટિ : હિતેશ રાણા, કાયદા સમિતિ : ભારતી પટેલ, ડ્રેનેજ સમિતિ : રમેશ ડેની , સમાજ કલ્યાણ સમિતિ : રવિન્દ્ર મહાકાલ , શિક્ષણ સમિતિ : નિમિષા ટંડેલ , ફુડ એન્ડ શોપ્સ એસ્ટાબ્લિશમેન્ટ સમિતિ : પ્રવિણાબેન પટેલ , ગાર્ડન એન્ડ તળાવ સમિતિ : વર્ષા પાનવાલા , ટાઉન હોલ ટ્રસ્ટ સમિતિના ચેરમેન પાલિકા પ્રમુખ : કિન્નરી પટેલ , એપીએમસી : પ્રતિનિધિ તરીકે કિરણ ભંડારી, જ્યારે શાસક પક્ષના નેતા તરીકે ડો.પુષ્પાબેન ઓઝાની નિમણૂંક કરવામાં આવી છે.


