ભાજપના નેતાઓ અત્યાર સુધી કહી રહ્યાં હતા કે કોંગ્રેસમાં પરિવારવાદ વકર્યો છે.એક જ પરિવારના સભ્યોને ટિકીટ આપીને સાંસદ કે ધારાસભ્ય બનાવી દેવામાં આવે છે પરંતુ હવે પરિવારવાદ ભાજપમાં પણ વકર્યો છે.દેશના અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ પરિવારના સભ્યોને ટિકીટ આપવા માટે દબાણ શરૂ થયાં છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી સમયે સરકારમાં રાજ્ય સરકારના મંત્રી પુરૂષોત્તમ સોલંકીએ તેમની પુત્રી માટે ટિકીટ માગી હતી.એવી જ રીતે અન્ય એક મંત્રીએ પણ તેમના પુત્ર માટે ટિકીટ માગી હતી.અગાઉ વિઠ્ઠલ રાદડિયાની સાથે તેમના પુત્ર જયેશ રાદડિયાને પણ ભાજપે ટિકીટ આપી હતી.ભાજપમાં પિતા-પુત્ર અને પિતા-પુત્રીને ટિકીટ આપવાની પ્રથા શરૂ થઇ છે.કોંગ્રેસને પરિવારવાદ મુદ્દે આડેહાથ લેનાર ભાજપમાં પણ હવે આ ચેપ પ્રસર્યો છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની પત્નીએ ત્રણ જગ્યા પરથી ચૂંટણી લડવા દાવો કર્યો છે.તેમજ પુત્ર અને પુત્રીએ પણ ટિકિટ માટે દાવેદારી નોંધાવી છે.
જિલ્લા ભાજપ દ્વારા પંચાયતની 34 અને તાલુકા પંચાયતની 168 બેઠકો માટે સેન્સ લીધા હતા.જેમાં વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની પત્ની સવિતાબેનએ કોટંબી જિલ્લા પંચાયત,કામરોલ તાલુકા પંચાયત અને લીમડા તાલુકા પંચાયતમાં,તેમની દિકરી નિલમ શ્રીવાસ્તવ દ્વારા ગોરજ જિલ્લા પંચાયતમાં અને દિકરા દિપક શ્રીવાસ્તવે વડોદરા મહાનગર પાલિકાના વોર્ડ નંબર 15માં દાવેદારી નોંધાવી છે.એવી જ રીતે ડભોઇના ધારાસભ્ય અને વોર્ડ 15ના પૂર્વ કોર્પોરેટર શૈલેષ મહેતાના દિકરા માટે તેમજ સંખેડાના ધારાસભ્ય અભેસિંહ ગડવીના પુત્ર માટે પણ સ્થાનિક ચૂંટણીમાં ટિકીટની માગણી કરવામાં આવી છે.ભાજપમાં ઉમેદવાર પસંદગીની કવાયત ચાલી રહી છે ત્યારે ઉમેદવારીમાં જે નામો આવી રહ્યાં છે તેમાં સસંદસભ્યો,ધારાસભ્યો અને પાર્ટીના ટોચના નેતાઓના પરિવારના સભ્યોનો પણ સમાવેશ થતાં પ્રદેશ મોવડી મંડળ ચોંકી ઉઠ્યું છે.
ભાજપના નેતાઓ કોંગ્રેસ પર એવો આરોપ મૂકી રહ્યાં છે કે પાર્ટીમાં પરિવારવાદ ચાલે છે પરંતુ હવે આવી સ્થિતિ ભાજપ માટે પણ આવી ચૂકી છે.જે નેતાઓ ટોચના સ્થાને બિરાજમાન છે તેમના પરિવારના સભ્યો,મિત્રવર્તુળ અને નજીકના સ્નેહીઓએ ટિકીટની માગણી કરી છે.આવી માગણી અગાઉ વિધાનસભાની ચૂંટણી સમયે પણ કરવામાં આવી હતી.


