ગુજરાતમાં પહેલા મહાપાલિકા અને હવે પંચાયતોની ચૂંટણીના ઉમેદવારોના નામની જાહેરાતથી જ રાજકીય વાતાવરણ ગરમાઈ ગયું છે અને હવે તા.21 ફેબ્રુ.ના પ્રથમ તબકકાના મતદાન જેમાં તમામ 6 મહાપાલિકાઓને આવરી લેવાઈ છે તેના માટે ભાજપના પ્રચારનો પ્રારંભ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સંયુક્ત રીતે સૌરાષ્ટ્રમાં કરશે.અગાઉ આઠ બેઠકોની પેટાચૂંટણીમાં મુખ્યમંત્રી તથા પ્રદેશ પ્રમુખે સૌરાષ્ટ્રમાં અનેક જાહેરસભાઓ સંયુક્ત રીતે સંબોધન કરીને બન્ને વચ્ચે કોઈ ટકકર કે હરીફાઈ નથી અને પક્ષને જીતાડવા માટે એક સાથે છે તેવો સંદેશ આપવાનો જે પ્રયાસ કર્યો તે સફળ નિવડયો છે અને ભાજપને તમામ આઠ બેઠકો જીતવામાંજ નહી ભૂતકાળમાં કોંગ્રેસની આ બેઠકોની જે લીડ હતી તેના કરતા પણ વધુ લીડથી પક્ષને તમામ બેઠકો જીતાડવામાં સફળતા મળી હતી અને હવે પક્ષ દ્વારા સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીમાં પણ આ સફળ વ્યુહ અપનાવાયો છે અને આજે જ ભાવનગરમાં મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ સંયુક્ત રીતે બે જાહેરસભા સંબોધવા જઈ રહ્યા છે.ગઈકાલે સુરતમાં સી.આર.પાટીલ અને અમદાવાદમાં પ્રદીપસિંહ જાડેજાએ સભા સંબોધી હતી અને હવે પક્ષ દ્વારા આ બંને નેતાઓને જ સ્ટાર પ્રચારક તરીકે આગળ ધરવાનો નિર્ણય લેવાયો હોવાનો સંકેત છે અને તા.21ના રોજ મહાપાલિકાનું જે મતદાન યોજાવાનું છે તે પુર્વે બંને નેતાઓ તમામ છ મહાપાલિકાઓમાં સંયુક્ત રીતે સંબોધન કરશે.બીજી તરફ પક્ષમાં મહાનગરપાલિકાઓના ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ જે અસંતાષ બહાર આવ્યો છે તેને ઠારવા માટે મહદઅંશે સફળતા મળી છે પરંતુ આંતરિક રીતે ડેમેજ થાય તેવી પણ શકયતા છે અને તેથી તે અંગેનો રિપોર્ટ મહાનગરના પ્રભારીઓને સપ્તાહના અંત સુધીમાં આપવા જણાવાયું છે જેના કારણે આગામી સપ્તાહમાં આ ડેમેજ ઘટાડવાની કવાયત થશે.
બીજી તરફ મહાનગરપાલિકાઓમાં આમ આદમી પાર્ટીની અસર અંગે પણ પક્ષે વિચારવાનું ચાલુ કરી દીધુ છે અને ‘આપ’ના કારણે વિપક્ષોનું પ્રચારનું વાતાવરણ પણ બદલાઈ જાય તેવી શકયતા છે.ખાસ કરીને આમ આદમી પાર્ટી દ્વારા મફત પાણી અને વ્યવસાયવેરાની નાબુદી જેવા મુદાઓ ભાજપની પરંપરાગત નાના વેપારીઓની વોટ બેન્કને તથા ગરીબોને આકર્ષી શકે છે અને તેની સાથે સ્પર્ધામાં કોંગ્રેસ પણ આ પ્રકારના ચૂંટણી વચનો આપે છે.દિલ્હીમાં સુપરહીટ બનેલી આ પ્રચાર સ્ટાઈલ જો ગુજરાતમાં કરંટ પકડી લે તો ભાજપને માટે ચિંતાના સંકેત છે તેવું પક્ષના સૂત્રોએ સ્વીકાર્યુ હતું અને તેથી જ રવિવારે આ અંગે ખાસ વ્યુહરચના ઘડાઈ તેવી શકયતાછે.
પાટીલના માપદંડ મહાનગરમાં કડક અમલમાં મુકાયા પરંતુ પંચાયતોમાં જે મોટી બાંધછોડ કરાઈ છે તે પક્ષમાં અંડર કરન્ટ ચિંતાજનક હોવાનો સંકેત આપે છે.પક્ષે મહાપાલિકામાં નવા ઉમેદવારોને પસંદ કરીને એન્ટીઈન્કમવન્સીને નિષ્ફળ બનાવવા પ્રયત્ન કર્યો છે.હવે તે કેટલો સફળ થશે અને દાવ ઉંધો ન પડે તે પણ જોવાઈ રહ્યું છે.


