– ભાજપના ખેસ પહેરી મતદાન મથકથી 200 મીટર અંદર ટેબલ મૂકાયાની ફરિયાદ
સુરત : મહાનગરપાલિકાની ચૂંટણી માટે સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થયું છે.મતદાન મથક પર શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે ત્યારે વોર્ડ નંબર 18 લિંબાયત પરવત વિસ્તારમાં મતદાન મથક સુમન સંગીની સોસાયટી પાસે ભાજપ દ્વારા ટેબલ ગોઠવવામાં આવ્યું છે આ ટેબલ પરથી લોકોને મતદાન કેવી રીતે આપવું તે અંગેની સમજ આપવા ડમી ઈવીએમ રાખવામાં આવ્યું છે.મતદારો સ્લિપ લેવા જાય ત્યારે મતદારોને ભાજપના ઉમેદવારોને મત આપવા ઈવીએમમાં શીખવવામાં આવી રહ્યું છે.જેની સામે કોંગ્રેસે વિરોધ કરતાં ભાજપ દ્વારા મતદારોને ભોળવવા ડમી ઈવીએમ મૂકાયા સાથેની રાવ કરવામાં આવી છે.સાથે જ પાંડેસરામાં વોર્ડ નંબર 28માં પણ ભાજપના પ્રચાર સાહિત્ય સાથે ટેબલ મૂકવામાં આવ્યું છે.મતદાન સ્લિપ ન આવી હોયતેવા લોકો વિગતો લેવા આવે ત્યારે ભાજપના કાર્યકરો ભોળવતા હોવાના આક્ષેપ કરાયા છે.
કોંગ્રેસની પગલા લેવાની માંગ
કોંગ્રેસના આગેવાન કેતનભાઈએ જણાવ્યું હતું કે, મતદાન મથકથી 200 મીટરની અંદર જ ભાજપ દ્વારા ટેબલ રાખવામાં આવ્યું છે.મતદાનની આદર્શ આચારસંહિતા મુજબ ટેબલ પર કોઈ પક્ષને ઉજાગર કરતી પ્રચાર સામગ્ર રાખવાની હોતી નથી. જો કે ટેબલ પર બેઠેલા યુવકો ભાજપના ખેસ અને ભાજપના ઉમેદવારના બેનર સાથે બેઠા છે.સાથે જ ડમી ઈવીએમ પણ મૂકવામાં આવ્યાં છે.જેમાં ભાજપના ઉમેદવારના ક્રમ દર્શાવીને લોકોને ભોળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેની સામે અમે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે.
સ્લિપ ન અપાઈ હોવાથી મતદારો મૂંજવણમાં
લિંબાયત વિસ્તારના રહિશે દાનાભાઈએ જણાવ્યું હતું કે, આ વખતે અમને મતદાન અંગેની સ્લિપ મળી નથી. જેથી સ્કૂલમાં કઈ જગ્યાએ અને કઈ રૂમમાં અમારે વોટ આપવા જવાનું છે તે જાણવા ટેબલ પરજવું પડે છે. ટેબલ પર બેઠેલા લોકો મતદાન બૂથ નંબર સહિતની વિગતો આપે છે.ભાજપનો ખેસ પહેરીને ટેબલ પર કાર્યકરો બેઠા હોવાની ફરિયાદ કરાઈ છે.
ડમી ઈવીએમથી વિવાદ
ડમી ઈવીએમ ટેબલ પર મૂકાતા કોંગ્રેસના કાર્યકરો દ્વારા ચૂંટણી અધિકારીને ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.વોર્ડ નંબર 18 લિંબાયતમાં ચાલી રહેલી મતદારોને ભોળવવાની પ્રવૃતિ સામે ચૂંટણી પંચમાં ફરિયાદ કરીને કાયદેસરના પગલા લેવાની તૈયારી કરી હોવાની તથા ટેબલ પરથી ઈવીએમ તાત્કાલિક હટાવવાની માંગ કોંગ્રેસના કાર્યકરો દ્વારા કરવામાં આવી છે.


