– MPના પૂર્વ મંત્રી સુખદેવ પાંસેએ કંગનાને નાચવા-ગાવાવાળી કીધી હતી
ભોપાલ, તા. 21 ફેબ્રુઆરી : મધ્ય પ્રદેશના પૂર્વ મંત્રી અને કોંગ્રેસના ધારાસભ્ય સુખદેવ પાંસેએ અભિનેત્રી કંગના રનૌતને લઈ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું અને અભિનેત્રીને નાચવા-ગાવાવાળી કહી હતી.જો કે કંગના તરફથી પણ આનો વળતો જવાબ આપી દેવાયો છે.જવાબમાં કંગનાએ, “હું રાજપૂત મહિલા છું અને હાડકાંઓ તોડું છું” તેમ કહ્યું હતું.
પાંસેના નિવેદન અને કંગનાના જવાબ મુદ્દે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે હસીને કંગના કોણ છે એમ કહી ચાલતી પકડી હતી.દિગ્વિજય સિંહને કોંગ્રેસી ધારાસભ્યના વિવાદિત નિવેદન મુદ્દે સવાલ કરવામાં આવ્યો તે સમયે થોડી વાર વિચાર્યા બાદ તેમણે આવો જવાબ આપ્યો હતો.
કોંગ્રેસની કિસાન જાગૃત્તિ યાત્રા દરમિયાન પૂર્વ લોક સ્વાસ્થ્ય યાંત્રિકી મંત્રી પાંસેએ કંગના માટે અશોભનીય ટિપ્પણી કરી હતી. તેમણે કલેક્ટરને ઉદ્દેશીને કહ્યું હતું કે, “જો કંગના જેવી નાચવા-ગાવાવાળી મહિલા ખેડૂતોના સ્વાભિમાનને ઠેસ પહોંચાડે અને તેના વિરોધમાં કોંગ્રેસી કાર્યકરો ઉભા થાય તો પોલીસ તેમના પર લાઠીચાર્જ કરે છે.પોલીસ કઠપૂતળી ન બને.એક મહિલાના ચક્કરમાં પોલીસે કોંગ્રેસીઓ પર ખૂબ લાઠીચાર્જ કર્યો છે.”
આના જવાબમાં કંગનાએ કહ્યું કે, “તે રાજપૂત છે અને હાડકાં તોડી નાખે છે.તે એકલી એવી છે જેણે આઈટમ નંબર કરવાની ના પાડી દીધી હોય.મોટા અભિનેતાઓ સાથે ફિલ્મ કરવાની ના પાડી હોય.ત્યાર બાદ સમગ્ર બોલિવુડ ગેંગ તેના વિરૂદ્ધ થઈ ગયેલી.”