– સુરત મહાનગરપાલિકામાં 45.51 ટકા મતદાન નોંધાયું હતું
– ગાંધી એન્જીનિયરિંગ કોલેજ અને SVNIT કોલેજ ખાતે મતગણતરી શરૂ
– મતગણતરીને પગલે આ બંને સ્થળોએ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
સુરત : આજે સવારે સુરત મનપાની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે.સુરતની કુલ 120 બેઠકો માટે 484 ઉમેદવારોના ભાવિનો ફેંસલો આજે મતદાન પેટીમાંથી બહાર આવશે. ત્યારે સુરતના ગાંધી એન્જીનિયરિંગ કોલેજ અને એસવીએનઆઈટી કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાઈ છે.બંને મતગણતરી સેન્ટર પર બે તબક્કામાં મતગણતરી શરૂ કરવામાં આવી છે.એસવીએનઆઈટી ખાતે પ્રથમ તબક્કામાં વોર્ડ નંબર 29, 14, 27, 25, 1, 21, 10 અને 15 ની મતગણતરી થશે.તો બીજા તબક્કામાં વોર્ડ નંબર 30, 19, 28, 26, 9, 22, 11 અને 18ની મતગણતરી થશે. ગાંધી કોલેજ ખાતે પહેલા તબક્કામાં વોર્ડ નંબર 23, 4, 6, 8, 16, 2 અને 13ની મતગણતરી થશે. તો બીજા તબક્કામાં વોર્ડ નંબર 24, 5, 7, 12, 17, 3 અને 20 ની મતગણતરી થશે.
મતગણતરીને પગલે આ બંને સ્થળોએ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે,ખુદ પોલીસ કમિશનરે અજય કુમાર તોમરે મોડી રાત્રે બંને સ્થળોની મુલાકાત લીધી હતી.બીજી તરફ ચૂંટણી અધિકારીઓએ પણ કામગીરી શરૂ કરી.મતગણતરી કેન્દ્રમાં ચૂંટણી એજન્ટ અને ઉમેદવારને જ પ્રવેશ આપવામાં આવ્યો છે.ત્યારે બપોર પછી તમામ વોર્ડનું પિક્ચર ક્લિયર થઈ જશે.સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે જંગી રેલી કરી હતી.ત્યારે હવે ભાજપ કેટલી બેઠક અંકે કરે છે,અને પાસના ભડાકા બાદ કોંગ્રેસને કેટલી બેઠકો મળશે તેના પર સૌની નજર છે.
ચૂંટણી અધિકારીની ઓફિસમાંથી મળ્યા હતા EVM અને બેલેટ પેપર
સુ
રતમાં ગઈકાલે બહુમાળી બિલ્ડિંગના A બ્લોકના ચોથા માળે EVM અને બેલેટ પેપર બોક્ષ ચૂંટણી અધિકારીની ઓફિસમાં મળી આવતા કોંગ્રેસ દ્વારા હંગામો કરવામાં આવ્યો હતો.આ સાથે કોંગ્રેસદ્વારા ગંભીર આરોપો પણ લગાવવામાં આવ્યા હતા કે, EVM મશીન અને બેલેટ પેપર બોક્સ સ્ટ્રોંગ રૂમને બદલે ચૂંટણી અધિકારીની ઓફિસમાં કેમ છે?
ઉલ્લેખનીય છે કે, રાજ્યની 6 મહાનગર પાલિકામાં સરેરાશ 45.64 ટકા મતદાન નોંધાયું હતું.જેમાં સુરત મહાનગરપાલિકામાં 45.51 ટકા મતદાન નોંધાયું હતું.


