– સરદાર પ્રતિમાને પુષ્પાંજલિ કરી રોડ-શોની શરૂઆત કરાઈ
સુરત : સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 27 સીટ પર ભવ્ય વિજય બાદ ‘આપ’ના દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે ભવ્ય શોનું આયોજન કર્યું હતું.વરાછાના માનગઢ ચોકથી શરૂ થયેલા આ રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા.કેજરીવાલે રોડ-શોમાં કહ્યું હતું કે હું સુરતના લોકોનો આભાર માનવા આવ્યો છું.અત્રે ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન કાઠિયાવાડી એટલે કે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના લોકોએ ખોબેખોબા ભરીને મત આપીને આમઆદમી પાર્ટીને ગુજરાતમાં ધમાકેદાર પ્રવેશ કરાવ્યો છે.
અરવિંદ કેજરીવાલનો ભવ્ય રોડ-શો વરાછા વિસ્તારમાં થઈને આગળ વધી રહ્યો છે.હીરાબાગ સર્કલ,કાપોદ્રા,રચના સર્કલ થઈને આગળ વધી રહ્યો છે.ધીરે-ધીરે અરવિંદ કેજરીવાલનો કાફલો વરાછા વિસ્તારથી પુણા વિસ્તાર તરફ આગળ વધી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો વાહનો સાથે રોડ શોમાં જોડાવાના કારણે સમગ્ર વિસ્તારની અંદર ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ છે.

અરવિંદ કેજરીવાલના સ્વાગત માટે રોડ દરમિયાન અલગ અલગ સ્થળ ઉપર પુષ્પવર્ષાથી સ્વાગત કરવામાં આવી રહ્યું છે.વડિલો,મહિલાઓ અને બાળકો કેજરીવાલને જોવા માટે રસ્તા ઉપર બંને તરફ ઉમટી પડ્યા છે.કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.સુરત મહાનગર પાલિકામાં ચૂંટાયેલા કોર્પોરેટરો સુરત શહેરની જનતાને અવિરત સેવા કરશે પ્રકારની વાતો કરવામાં આવી રહી છે.રોડ-શો દરમિયાન દિલ્હીમાં જે રીતે આરોગ્ય શિક્ષણની સેવા આપવામાં આવી રહી છે તેવી જ રીતે આગામી દિવસોમાં સુરતમાં પણ લોકોને પ્રાથમિક સુવિધા મળે એ પ્રકારના કામ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર કરશે પ્રકારની જાહેરાતો કરવામાં આવી રહી છે.

કેજરીવાલને ખુલ્લા આઈસરમાં નીકળેલા જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા.મિનીબજાર સહિતના વિસ્તારોમાં મકાનની છત પર લોકો ઊમટી પડ્યા હતા.રસ્તા પર પણ મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યાં હતાં. રસ્તા પરથી નીકળેલા રોડ શો પર છત પરથી લોકોએ ફૂલોની વર્ષા પણ અમુક જગ્યાએ કરી હતી.વરાછા વિસ્તારમાં નીકળેલા રોડ શોમાં મોટી સંખ્યામાં આમઆદમી પાર્ટીના કાર્યકરો અને સામાન્ય લોકો ઊમટી પડ્યા હતા, જેથી કોરોના ગાઈડલાઈન્સ અને સોશિયલ ડિસ્ટન્સનો જાહેરમાં ભંગ થતો જોવા મળ્યો હતો.રોડ શોમાં કેજરીવાલે માસ્ક બાંધ્યું નહોતું.આ સાથે જ ‘આપ’ના ગુજરાત પ્રદેશ પ્રમુખ પણ કેજરીવાલ સાથે આઈસર પર જ સાથે હતા.એકાદ વ્યક્તિને બાદ કરતાં આઈસર પર સવાર લોકોએ પણ માસ્ક પહેર્યાં નહોતાં.
વરાછા મેઈન રોડ પર નીકળેલા આમઆદમી પાર્ટીના રોડ શોમાં કાર્યકરો પણ જાણે કોરોનાને વીસરી ગયા હોય એ રીતે એને ભૂલીને માસ્ક વગર નિડરતાથી હરતાફરતા જોવા મળ્યા હતા.કોરોના સંક્રમણ હાલ બમણી ઝડપે વધી રહ્યું છે ત્યારે આમઆદમી દ્વારા યોજાયેલા રોડ શોમાં કાર્યકરો,નેતાઓ અને લોકો દ્વારા દાખવવામાં આવેલી લાપરવાહીથી ફરી કોરોનાનું સંક્રમણ વધે એવી આશંકા સેવાઈ રહી છ.સુરતની મુલાકાતે આવેલા આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટા વરાછા ખાતે આમ આદમી પાર્ટીના વિજય થયેલા કોર્પોરેટર તેમજ જેટલા પણ ઉમેદવારો આપ પક્ષ તરફથી ઉમેદવારી કરી હતી તેમની સાથે બેઠક કરી હતી. જેમાં તેમણે કોર્પોરેશનમાં ચૂંટાયેલા કોર્પોરેટરોએ કયા પ્રકારની ભૂમિકા ભજવવાની છે તેની વિસ્તૃત ચર્ચા કરી હતી.


