સુરત : સુરતમાં GST વિભાગે સામાન્ય મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા આશરે 20 જેટલાં લોકોને 1 લાખથી લઈને 2 કરોડ રૂપિયાની નોટિસ ફટકારતા લોકો આશ્રર્યમાં મુકાઈ ગયા છે કે એમને કેમ નોટિસ મળી.જો કે તેઓ ભણેલા નથી તો નોટિસનો જવાબ કેવી રીતે આપવો તે પણ ચિંતા છે.આખરે તેમનો જીએસટી નંબર કેવી રીતે જનરેટ થયો તે સવાલ પણ તેમને કોરી ખાઈ રહ્યો છે.
છેલ્લા કેટલાક સમયથી જીએસટીમાં કૌભાંડ આચરતા ચીટરોએ જૂની મોડ્સ ઓપરેન્ડી મુજબ નાના કામદારોના નામે પેટ જીએસટી નંબરો લઇ કરોડોના ફુલેકા ફેરવી રહ્યા છે અને બિન્દાસ્ત થઈને ફરી રહ્યા છે ત્યારે જીએસટી વિભાગે નોટિસો આપતા આ સામાન્ય વર્ગના લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.સમગ્ર ગુજરાતમાં જીએસટી સ્કેમ હેઠળ અંદાજિત 20000 કરોડ રૂપિયાના ગોટાળા થઇ ચુક્યા છે અને આ સિલસિલો હજી પણ યથાવત રહેવા પામ્યો છે.ચોકબજારના સુફિયાનએ 2000 કરોડ રૂપિયાના જીએસટી બીલો દેશભરમાં પધરાવી કરોડો રૂપિયાનો ગોટાળો 2 મહિના અગાઉ જ કર્યો હતો ત્યારે હવે એ વાત સુનિશ્ચિત થઇ રહી છે કે શહેરમાં હજી પણ જીએસટીના બોગસ બિલિંગનો કારોબાર ફૂલી ફાલી રહ્યો છે જેમાં ડમી પ્રોપ્રાયટરના નામે જીએસટી બિલો પ્રીમિયમ લઇ વેચવામાં આવી રહ્યા છે.


