– લોકો લેવા માટે ફાંફા મારે છે તે ઇન્જેકશન પાટીલને ક્યાંથી મળ્યા ?
– દવા-ઇન્જેકશન અધિકૃત સંસ્થા તરફથી આપી શકાય છેઃ ભાજપ કાર્યાલયને ઇન્જેકશનની વહેંચણી કરવાનો પરવાનો કોણે ક્યારે આપ્યો ?
સુરત : આખુ સુરત શહેર રેમડેસીવીર ઇન્જેકશ માટે રસ્તા પર દોડી રહ્યુ છે.ત્યારે ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલને5000 ઇન્જેકશનનો જથ્થો ક્યાથી મળ્યો ? કોણે પરમીશન આપી ? તેવા પ્રશ્નો સાથે આરોગ્યમંત્રી કુમાર કાનાણીના ઘરનો આજે આપ દ્વારા ઘેરાવ કરીને સૂત્રોચ્ચાર કરાયા હતા.ઇન્જેકશન આપો નહીં તો રાજીનામું આપો તેમ સૂત્રોચ્ચાર કરીને માંગ કરાઇ હતી.
સુરત મ્યુનિ.ના વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે,લોકો ઇન્જેકશન માટે સિવલ સ્મીમેરમાં વલખા મારી રહ્યા છે.તેમજ પ્રાઇવેટ મેડિકલ સ્ટોર અને એજન્સીમાં મસમોટો ભાવ ચૂકવીને પણ પોતાના પરિવારજનોને બચાવવા મજબુર બન્યા છે.એવા વખતે ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે ઇન્જેકશન વિતરણ કરવાની જાહેરાત કરીને પોતાને સરકારી સિસ્ટમથી ઉપરના સમજે છે.કોઇ પણ દવા કે ઇન્જેકશન અધિકૃત કરાયેલ સંસ્થા દ્વારા જ વહેંચણી કરી શકે છે,તો ભાજપ કાર્યાલયને આ ઇન્જેકશન વહેંચણી કરવાના પરવાનો કોણે અને કયારે આપ્યો ? કાયદાનો આ સરેઆમ ભંગ છે.સી.આર.પાટીલ પાસે આટલો મોટો જથ્થો કયાંથી આવ્યો ? આ અંગે તપાસ થવી જરૃરી છે.
આ મુદ્દે વિપક્ષ નેતા,દંડક ભાવના સોલંકી સહિત આપના કાર્યકરોએ મોટીસંખ્યામાં આરોગ્યમંત્રી કુમાર કાનાણીને ત્યાં મોરચો માંડી ઘરનો ઘેરાવ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.અને લોકોને ઇન્જેકશન અપાવો નહીં તો રાજીનામું મુકી દો,તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા.આમ ભાજપ દ્વારા ઇન્જેકશનનું વિતરણ શરૃ કરાતા વિવાદમાં આવી ગયા છે. દરમિયાન ઘેરાવ કરનારા આપના કાર્યકરોની અટકાયત કરાઇ હતી.


