નવી દિલ્હી તા.14 : દેશમાં કોરોનાના વિકરાળ પંજાએ હવે અર્થતંત્ર પર અસર દેખાડવાનું શરૂ કરી દીધુ છે.મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ સહિતના રાજયોએ જનતા કરફયુ,લોકડાઉન,નાઈટ-કરફયુ સહિતના નિયંત્રણો લાગુ પાડતા આવતા દિવસોમાં અસર હજુ વધી શકે છે.અત્યાર સુધીના નિયંત્રણોથી વેપાર ઉદ્યોગને દર સપ્તાહે સવા અબજ ડોલર (9000 કરોડ)નું નુકશાન થઈ રહ્યું છે.હવે મોંઘવારીએ પણ મોઢુ ફાડયુ હોવાથી સામાન્ય લોકોની તકલીફ પણ વધવાના ભણકારા છે.
બ્રિટનની બ્રોકરેજ કંપની બાર્કલેજના રીપોર્ટમાં એમ કહેવાયું છે કે લોકલ લોકડાઉન નિયંત્રણોથી દર સપ્તાહે 9000 કરોડના નુકશાનનો તથા ચાલુ નાણાંવર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપી 1.40 ટકા પ્રભાવિત થઈ શકે છે.મે માસના અંત સુધી વર્તમાન નિયંત્રણો ચાલુ રહેવાના સંજોગોમાં વેપાર ઉદ્યોગને 10.5 અબજ ડોલરનું નુકશાન થઈ શકે છે.જીડીપીને 0.34 ટકા અસર શકય છે.
ક્ધફેડરેશન ઓફ ઓલ ઈન્ડીયા ટ્રેડર્સ (કૈટ) દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે વિભિન્ન રાજયોમાં નાઈટ કરફયુ તથા નિયંત્રણોને કારણે રીટેઈલ વેપારને 32000 કરોડ તથા જથ્થાબંધ વેપારને 14000 કરોડનું નુકશાન થવાનું અનુમાન છે.દિલ્હીના વેપારને જ 4400 કરોડનું નુકશાન છે.મહારાષ્ટ્રમાં રીટેઈલ વેપારને 10,000 કરોડનું નુકશાન છે. જથ્થાબંધ વેપારને નુકશાનનો આંકડો 6000 કરોડનો છે.બીજી તરફ કોરોનાની વર્તમાન લહેર ભાવ મોરચે પણ અસર દેખાડવા લાગી છે.આવશ્યક સહિતની ચીજવસ્તુઓ મોંઘી થવા લાગતા સામાન્ય માણસનું રસોડાનું બજેટ વેરવિખેર થઈ શકે છે.દાળથી માંડીને મસાલાના ભાવો વધ્યા છે. સાથોસાથ ખાદ્યતેલો પણ મોંઘા થયા છે.વિવિધ દાળની કિંમતમાં પ્રતિ કિલો રૂા.10 તથા ખાદ્યતેલોના ભાવમાં રૂા.14થી30નો વધારો છે.બાળકો માટેનું પેકેજડ દુધ પ્રતિલીટર રૂા.20 મોંઘુ થયુ છે.વેપારી સંગઠન કૈટના અધ્યક્ષ બી.સી.ભરતીયાએ એમ કહ્યું કે 46000 કરોડના નુકશાનનો અંદાજ માત્ર 9 રાજયોમાંથી પ્રાપ્ત આંકડાકીય રીપોર્ટના આધારે દર્શાવવામાં આવ્યો છે.
વેપારી સંગઠનો જ એવો દાવો કરવા લાગ્યા છે કે અમુક રાજયોમાં વેપારીઓ કૃત્રિત અછત ઉભી કરીને ભાવવધારો કરી રહ્યા છે.વધતી મોંઘવારી પાછળનું મુખ્યકારણ નફાખોરી જ છે.કોરોના નિયંત્રણોને કારણે વેપારીઓ માલનો સંગ્રહ કરવા લાગ્યા છે.વહીવટીતંત્ર માટે આ નવો પડકાર છે અને સહકાર વહીવટીતંત્ર અત્યારથી કદમ નહીં ઉઠાવે તો આવતા દિવસોમાં નવી ઉપાધી સર્જાશે.કૃષિ ઉત્પાદનમાં વાસ્તવમાં મોટો વધારો છે છતાં ભાવવધારે ગળે ઉતરતો નથી.


