રાજ્યમાં હવે ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ મોકૂફ રાખવાની માંગ ઉઠી છે.બોર્ડની પરીક્ષા મામલે ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ યોગ્ય નિર્ણય લે તેવી માંગ હાલમાં સિનિયર ફિજીશિયન ડૉ. વસંત પટેલે કરી છે.હાલમાં કોરોનાના કેસો જે રીતે વધી રહ્યાં છે ત્યારે આ મામલે યોગ્ય નિર્ણય કરવા માંગ કરાઇ છે.
ધોરણ 10 અને 12ની પરીક્ષા જૂન મહિનામાં લેવામાં આવે તેવી માંગ
ઓલ ગુજરાત વાલીમંડળના પ્રમુખ નરેશ શાહે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને જણાવ્યું હતું કે, હાલની કોરોના કાળની સ્થિતિ જોતાં તમામ સરકારી કાર્યક્રમ બંધ રાખવામાં આવ્યાં છે.મે મહિનામાં સ્કૂલની પરીક્ષા લેવી શક્ય નથી,જેથી 1થી 9 ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે અને ધોરણ 10 અને 12ની પરીક્ષા મે મહિનાના બદલે જૂન મહિનામાં લેવામાં આવે.નવું વર્ષ પણ જૂન મહિનાથી શરૂ થશે અને 240 દિવસ શૈક્ષણિક કેલેન્ડર પ્રમાણે,ભણતર પૂરા દિવસો ના મળી રહે,તેથી તાત્કાલિક માસ પ્રમોશનની જાહેરાત કરવાની માગણી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ધોરણ 10ની કાલથી શરૂ થનારી પ્રેક્ટીકલ પરીક્ષા મોકૂફ કરાઈ છે અને મુખ્ય પરીક્ષાઓ પૂરી થયા બાદ પ્રેક્ટીકલ પરીક્ષા લેવાશે.શિક્ષણ બોર્ડે આ નિર્ણય જાહેર કર્યો છે.આ અંગે શિક્ષણ બોર્ડે રાજ્યની તમામ શાળાઓના આચાર્યોને પત્ર લખી જાણ કરી છે.ત્યારે હવે આવતીકાલથી પ્રેક્ટીકલ પરીક્ષા નહીં લેવાય.મુખ્ય પરીક્ષાઓ પૂરી થયાના ત્રણ દિવસમા શાળાકિય સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પરીક્ષા લેવા જણાવ્યું છે.
30 એપ્રિલ સુધી તમામ શૈક્ષણિક કાર્ય પણ ઓફલાઈન બંધ
કોરોનાના કેસ વધતાં અત્યારે શાળા-કોલેજમાં 30 એપ્રિલ સુધી તમામ શૈક્ષણિક કાર્ય ઓફલાઈન બંધ કરવામાં આવ્યા છે.આગામી મે મહિનામાં ધોરણ 10 અને 12ની પરીક્ષા યોજાવાની છે.આ વચ્ચે સ્કૂલો દ્વારા એસ.એસ.સી માટે લેવાતી શાળાકક્ષાના વિષયની પ્રેક્ટિકલ પરીક્ષાને લઈને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જાહેરાત કરી છે,જે મુજબ ધો.10 બોર્ડની મુખ્ય પરીક્ષા પૂર્ણ થયાના 3 દિવસની અંદર પ્રેક્ટિકલ પરીક્ષા સ્કૂલોએ લેવાની રહેશે.


