મનપાએ મધરાતથી શરૂ કરી પાણીની નવી લાઈનોના જાેડાણની કામગીરી, રાંદેરઝોન સિવાયના તમામ વિસ્તારોમાં પાણી કાપ

342

રાછા વૈશાલી ટોકિઝ પાસેની પાઈપો 50 વરસોથી પણ વધુ જૂની હોવાના કારણે જર્જરીત થઈ ચૂકી હતી, ગુરુવાર રાતથી લઈને શનિવાર સુધી ચાલશે કામગીરી

સુરત
વરાછા વિસ્તારમાં આવેલી વર્ષો જૂની પાણીની લાઈન બદલીને નવી નાંખવામાં આવેલી પાઈપલાઈનના જોડાણની કામગીરી શુક્રવારને તા. 28મીના રોજ કરવામાં આવનાર હોવાથી આજરોજ શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાલિકા દ્વારા પાણીનું વિતરણ બંધ રાખવામાં આવશે. આ કામગીરી ગુરુવારના રાત્રિના 11 કલાકથી જ શરૂ કરી દેવામાં આવી છે. તા. 29મીને શનિવારે પણ ઓછા દબાણથી પાણી મળશે જેથી છેલ્લા બે દિવસથી સુરત મહાનગરપાલિકા દ્વારા સતત જાહેરાત કરવામાં આવી હતી કે આગામી તા. 28 અને 29મીના રોજ અમુક વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રહેશે.
વરાછા વૈશાલી હેલ્થ સેન્ટર જંકશન ચાર રસ્તાખાતે વરાછા મેઈન રોડ, ખાંડ બજાર સૂર્યપુર રેલવે ગરનાળા નજીક લગભગ 1969માં નાંખવામાં આવેલી પાણીની લાઈનો જર્જરિત થઈ ગઈ હતી. જેથી આ લાઈનો બંધ કરીને નવી નાંખવામાં આવેલી 1219 મીમી વ્યાસની એમએસ લાઈનને હયાત 1219 મીમીની લાઈન સાથે જોડાવામાં આવનાર છે, જે કામગીરી ગુરુવારે રાત્રે 11 કલાકથી તા. 29મીના સવારના પાંચ વાગ્યા સુધી પાલિકાના હાઈડ્રોલિક વિભાગ દ્વારા હાથ ધરાશે. જેથી હેડ વોટર વર્કસ, ઉમરવાડા જળવિતરણ મથક, કતારગામ, સીંગણપોર, ખટોદરા, અઠવા, ઉધના ચીકુવાડી, ઉધના સંઘ, અલથાણ, ભીમરાડ, ડુંભાલ, વેસુ, કિન્નરી સહિતના જળવિતરણ મથક ખાતેથી શહેરમાં પહોંચાડવામાં આવતો પાણી પુરવઠો નહિંવત પ્રમાણમાં મળી શકે તેમ છે. જ્યારે 29મીને શનિવારે ઓછા પ્રેસરથી મળે તેવી શક્યતાઓ વ્યકત કરવામાં આવી રહી હોવાથી આ અંગેની નોંધ લેવા સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે.
અસરગ્રસ્ત વિસ્તારો…
રેલવે સ્ટેશનથી ચોક, ઉમરવાડા, મગોબ, ડુંભાલ, આંજણા, ભાઠેના, પાંડેસરા, ઉધના, ખટોદરા, ભેદવાડ, ચીકુવાડી, મજૂરા, અઠવા, પાર્લેપોઈન્ટ, સિટીલાઈટ, અલથાણ, પનાસ, ભટાર, કતારગામ વેડ, ડભોલી, સીંગણપોર, વેસુ, ડુમસ, ભીમપોર, દવિયર, સુલતાનાબાદ, વાંટા, પુણા, ઉમરા, પીપલોદ, વરાછા, લંબેહનુમાન રોડ, બમરોલી સહિતના વિસ્તારનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાંદેરઝોન તાબાના તમામ વિસ્તારોમાં પાણી પુરવઠો યથાવત ધોરણે વિતરીત કરાશે.

Share Now