ગુજરાતમાં છેલ્લા દોઢ વર્ષથી વહીવટી તંત્રમાં ફેરફારો થઇ શક્યા નથી ત્યારે કેન્દ્ર સરકારે ગુજરાત કેડરના 14 આઇપીએસ ઓફિસરોને ડીઆઇજી રેન્કમાં એમ્પેનલ્ડ કર્યા છે,એટલે કે આ ઓફિસરો ગમે ત્યારે સેન્ટ્રલ ડેપ્યુટેશન પર જઇ શકે છે.
ગુજરાતમાં પોલીસની બદલીઓ અને બઢતી વિલંબિત છે ત્યારે કેન્દ્ર સરકારે 2001 બેચના અધિકારી વિપુલ અગ્રવાલ અને 2004ની બેચના ડીએચ પરમારને એમ્પેનલ્ડ કર્યા છે. આ બન્ને ઓફિસરોનું પોસ્ટીંગ ગમે તે સમયે દિલ્હીમાં થઇ શકે છે.એવી જ રીતે 2006 બેચના કુલ 12 અધિકારીઓ એવાં છે કે જેમણે એમ્પેનલ્ડ કરવામાં આવ્યા છે.આ આઇપીએસ અધિકારીઓમાં પીએલ માલ,એનએન ચૌધરી,એમકે નાયક,આરવી અનસારી,નિલેશ જાડેજા,શરદ સિંઘલ અને આહીર બિપીનશંકર રાવનો સમાવેશ થાય છે.
આ બેચના બીજા આઇપીએસ અધિકારી ચિરાગ કોરડિયા,એમએસ ભાભોર,આરપી પાંડોર અને કેએન ડામોરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે કે જેઓ કેન્દ્રમાં ડીઆઇજી અથવા તો તેની સમકક્ષ રેન્કમાં એમ્પેનલ્ડ થયાં છે.ગુજરાતમાં જિલ્લા પોલીસ વડા અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની બઢતી અને બદલી પેન્ડીંગ છે ત્યારે આ 14 ઓફિસરોને સેન્ટ્રલ પ્રક્રિયામાં સમાવી લેવામાં આવ્યા છે.
આ તો થઇ આઇપીએસ અધિકારીઓની ડેપ્યુટેશન પર જવાની વાત પરંતુ છેલ્લા ઘણા સમયથી આઇએએસ અધિકારીઓની ટ્રાન્સફરની વાત પણ ટલ્લે ચડી છે.પહેલા ચૂંટણી અને ત્યારપછી બજેટ સેશન અને તે પત્યા પછી તરત જ કોરોનાના કેસોનો રાફડો ફાટતા હાલ બધુ જ ટળી ગયું છે. આખી સરકાર હાલ માત્ર કોરોના નિયંત્રણમાં લાગી છે.એટલે આઇએએસ અધિકારીઓની ટ્રાન્સફરની પ્રક્રિયા તો હવે કોરોના પર જ નિર્ભર છે.
જોકે, હાલ તો આ ડેપ્યુટેશન માટે યોગ્યતા ધરાવતા આઇપીએસ ઓફિસરો પણ ક્યારે જશે તે નક્કી નથી કારણ કે હાલ કોરોનાની સ્થિતિને લઇને બધુ જ બેકબર્નર પર છે.કોરોનાની સ્થિતિ સુધરે ત્યારપછી જ તેમના ઓર્ડર થશે તે નક્કી છે.


