– પાલિકામાં શાસક પક્ષના નેતા અમિતસિંહ રાજપૂત અને કાર્યકરોએ નિયમોનો ભંગ કર્યો
સુરત : પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી ફરી એક વખત સત્તામાં આવતાની સાથે જ ભાજપના કાર્યકર્તા અને હોદ્દેદારો ઉપર જીવલેણ હુમલા હોવાના રોષ સાથે ભાજપ દ્વારા દેખાવો કરવામાં આવી રહ્યાં છે.પશ્ચિમ બંગાળની હિંસાને વખોડી કાઢતા ભારતીય જનતા પાર્ટીએ શહેરના વિવિધ વિસ્તારોમાં વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો કર્યા હતાં.કાર્યક્રમ દરમિયાન ઘણી જગ્યાએ કોરોના સંક્રમણની ગાઈડલાઈનનું ઉલ્લંઘન થતું જોવા મળ્યું હતું.
ભાજપના શાસક પક્ષના નેતા અમિત સિંહ રાજપૂત દ્વારા મમતા બેનર્જીના વિરોધમાં કરાયેલા કાર્યક્રમનું આયોજન વિવાદમાં આવ્યું છે.સુરત શહેરમાં કોરોના સંક્રમણનો વ્યાપ વધી રહ્યો છે.ત્યારે ગઈકાલે જ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા સરકારની ગાઇડ લાઇનનું પાલન કરીને વિરોધ પ્રદર્શનના કાર્યક્રમમાં જોડાવા અપીલ કરી હતી.તેમની અપીલને પણ જાણે માન્ય ન રાખ્યું હોય તે રીતે શાસક પક્ષના નેતા અમિત સિંહ રાજપૂત વર્તી રહ્યા છે.અમિત સિંહ રાજપૂત અને અન્ય ભાજપના કાર્યકર્તાઓ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડતા સ્પષ્ટ જોવા મળ્યા હતા.સી.આર.પાટીલ પાટીલે કરેલી અપીલને પણ તેમણે નેવે મૂકી દીધી હતી.
ભાજપના નેતાઓએ જાણે મન બનાવી લીધું છે કે, સુધરે તે બીજા એ પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે.તેમને સરકારની કોરોના ગાઇડ લાઇનને લઇને કોઇ જ ડર રહ્યો નથી.કારણ કે અવારનવાર ચૂંટણી દરમિયાન કે ત્યાર પછી પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બેફામ રીતે રેલીઓ અને સભાઓ અને અન્ય બીજા કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભીડ એકઠી કરતા રહ્યા છે, એટલું જ નહીં કોવિડ આઇસોલેશન સેન્ટરના ઉદ્ઘાટન દરમિયાન પણ ભાજપના નેતાઓ ફોટોસેશન કરવા માટે ભીડ એકત્રિત કરતા જોવા મળ્યા હતા.
ભાજપના સુરતના શાસક પક્ષના નેતા ફોટોસેશન કરવાની લ્હાયમાં ફરી એકવાર સરકારની કોરોના ગાઇડ લાઇનની લીરેલીરા ઉડાવતા જોવા મળ્યા હતા.તેમજ અન્ય કાર્યકર્તાઓના ચહેરા ઉપર માસ્ક પણ યોગ્ય રીતે લગાડ્યું ન હતું.તો કેટલાકે માસ્ક પહેરવાના મુનાસિબ માન્યું ન હતું.એમની સામે વહીવટી તંત્ર શિક્ષાત્મક પગલાં કયારે લેશે તેની સૌ કોઈ મીટ માંડીને બેઠાં છે.નાના વેપારી તેમજ ગરીબ પરિવારના સભ્યો પાસેથી મસમોટો દઢ ફટકારતી કોર્પોરેશનને ટીમ આવા નેતાઓ અને કાર્યકર્તાઓને સામે ક્યારેય લાલા કરશે તેને લઈને શહેરભરમાં ચર્ચાએ જોર પકડ્યું છે.


