– આજે આપણે મોદીની વૈજ્ઞાનિક સમજણની કિંમત ચુકવી રહ્યા છીએ : ઓવૈસી
નવી દિલ્હી, તા. 17 : દેશમાં કોરોના વિરૂદ્ધ ચાલી રહેલી લડાઈ વચ્ચે એક ચોંકાવનારી ઘટના બની છે.કોરોનાના વિવિધ સ્વરૂપોની ઓળખ મેળવવા માટે કેન્દ્ર સરકારે જે વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની રચના કરી હતી તેના અધ્યક્ષ,સીનિયર વાયરોલોજિસ્ટ ડૉ. શાહિદ જમીલે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું છે. તેમના રાજીનામા બાદ રાજકીય ટિપ્પણીઓનો પણ ધોધ વહ્યો છે.
AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ આ મામલે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ટ્વીટમાં લખ્યું હતું કે, INSACOG જે સરકારની વૈજ્ઞાનિક સલાહકાર સમિતિ છે તેના પ્રમુખ એસ. જમીલે રાજીનામુ આપી દીધું. INSACOGએ જ માર્ચ મહિનાની શરૂઆતમાં વડાપ્રધાનને કોરોનાના ઈન્ડિયન મ્યુટેન્ટ અંગે ચેતવણી આપી હતી.
અસદુદ્દીન ઓવૈસીએ કરેલા દાવા પ્રમાણે સલાહકાર સમિતિની આ સલાહને સરકારે અવગણી હતી, એસ. જમીલે પણ સરકારે વિજ્ઞાનને ગંભીરતાથી ન લીધું હોવાનું સ્વીકાર્યું હતું.આજે આપણે મોદીની વૈજ્ઞાનિક સમજણની કિંમત ચુકવી રહ્યા છીએ.
વૈજ્ઞાનિકોએ માર્ચમાં જ કોરોનાની બીજી લહેર અંગે ચેતવણી આપી હતી તેવું અગાઉ પણ સામે આવ્યું હતું પરંતુ તેના પર ધ્યાન નહોતું આપવામાં આવ્યું.ત્યારે આ બધા વચ્ચે હવે જ્યારે કોરોનાની બીજી લહેર પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડી રહી છે ત્યારે એસ. જમીલનું રાજીનામુ અનેક સવાલ ઉભા કરે છે.


