“યુદ્ધ કોઈના હિતમાં નથી.અમારા હિતમાં તો બિલકુલ નથી.પરમાણુશક્તિ ધરાવતા દેશનો ગોફણની મદદથી કોણ સામનો કરી શકે? સાચી વાત તો એ છે કે યુદ્ધથી કંઈ પ્રાપ્ત નથી થતું. તમે વોર રિપોર્ટર છો. શું તમને યુદ્ધ પસંદ છે?”
દુશ્મનો જેને ‘ખાન યુનુસના કસાઈ’ તરીકે ઓળખતા હોય તેવી એક વ્યક્તિ પાસેથી આવા શબ્દો સાંભળવા મળે ત્યારે ભરોસો કરવો મુશ્કેલ થાય છે.પેલેસ્ટાઇનના ઉગ્રવાદી સંગઠન હમાસના નેતા યાહ્યા સિનવારે વર્ષ 2018માં ઇટાલીના અખબાર ‘લા રિપબ્લિકા’ના રિપોર્ટર ફ્રેન્ચેસ્કા બોરીને આપેલી મુલાકાતમાં આ વાત કહી હતી.હમાસના આ નેતાએ ઇઝરાયલ સાથેના યુદ્ધમાં પેલેસ્ટાઇનવાસીઓને નુકસાન થાય છે, તેવું પહેલી અને છેલ્લી વખત કહ્યું હતું.ગાઝામાં ચાલતી હાલની લડાઈ દરમિયાન ઇઝરાયલની સેનાએ તાજેતરમાં જ હમાસના કેટલાક મહત્ત્વના નેતાઓનાં રહેણાક પર બૉમ્બમારો કર્યો છે.ઇઝરાયલ ડિફેન્સ ફોર્સીસ (આઇડીએફ)એ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે આ હુમલામાં યાહ્યા સિનવારના ઘરને પણ તબાહ કરી દેવાયું છે.
જોકે, હુમલા વખતે યાહ્યા સિનવાર ઘરમાં હતા કે નહીં અને તેમને કોઈ નુકસાન થયું છે કે નહીં તે જાણી શકાયું નથી.આ અહેવાલ પછી આંતરરાષ્ટ્રીય મીડિયામાં યાહ્યા સિનવાર અંગે ચર્ચા વધી ગઈ છે.
યાહ્યા સિનવાર કોણ છે?
59 વર્ષીય યાહ્યા ઇબ્રાહિમ હસન સિનવાર ગાઝા પટ્ટીમાં પેલેસ્ટાઇનના ઉગ્રવાદી સંગઠન હમાસની રાજકીય પાંખના વડા છે.તેઓ 2017થી હમાસ પોલિટ-બ્યૂરોના સભ્ય પણ છે.યુરોપિયન કાઉન્સિલ ઑફ ફોરેન રિલેશન્સ સંલગ્ન વેબસાઇટ ‘મેપિંગ પેલેસ્ટિનિયન પૉલિટિક્સ’ મુજબ યાહ્યા સિનવાર હમાસના પોલિટ-બ્યૂરોને તેના સૈન્ય વિંગ ઇજ અલ-દીન અલ-કસમ બ્રિગેડ્સ (આઇક્યુબી) સાથે જોડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.આ ઉપરાંત 1988માં હમાસના આંતરિક સુરક્ષાદળ ‘અલ-મજિદ’ની સ્થાપનામાં પણ તેમની મહત્ત્વની ભૂમિકા રહી છે.યાહ્યા સિનવારને ઇઝરાયલ વિરુદ્ધ તેમના ઉગ્ર વલણના કારણે ઓળખવામાં આવે છે.ઇઝરાયલ-પેલેસ્ટાઇનની બાબતોના જાણકારો કહે છે કે ઇઝરાયલ સાથે સમાધાન કરવાની વાત કરે તેવી કોઈ વ્યક્તિને યાહ્યા માફ નથી કરતા.અમેરિકાએ તેમને વર્ષ 2015માં ‘સ્પેશિયલી ડેઝિગ્નેટેડ ગ્લોબલ ટેરરિસ્ટ’ (એસટીજીટી)ની યાદીમાં સામેલ કર્યા હતા.
શરણાર્થી કૅમ્પમાં જન્મ અને ઇઝરાયલમાં 24 વર્ષની જેલ
યાહ્યા સિનાવારનો જન્મ વર્ષ 1962માં હાલની દક્ષિણી ગાઝા પટ્ટીમાં સ્થિત ખાન યુનુસના એક શરણાર્થી કૅમ્પમાં થયો હતો.તે સમયે આ પ્રદેશ પર ઇજિપ્તનો કબજો હતો.ઇસ્લામિક યુનિવર્સિટી ઑફ ગાઝામાં અરબી ભાષામાં ગ્રૅજ્યુએશન કરનારા યાહ્યાની 1982માં ઇઝરાયલી સુરક્ષાદળોએ પહેલી વાર ધરપકડ કરી હતી.તેમની સામે રાજકીય ઊથલપાથલ સર્જવા પ્રયાસ કરવાનો આરોપ હતો.તે સમયે ઇઝરાયલે લેબેનોન પર હુમલો કર્યો હતો.ધરપકડ પછી તેમને ઘણા મહિના જેલમાં ગાળવા પડ્યા જ્યાં તેમની મુલાકાત પેલેસ્ટાઇનના કેટલાક આંદોલનકારીઓ સાથે થઈ.જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં વેસ્ટ એશિયન સ્ટડીઝના પ્રોફેસર અને આરબ-ઇઝરાયલ બાબતોના જાણકાર પ્રોફેસર આફતાબ કમાલ પાશા કહે છે કે આ જેલવાસ પછી યાહ્યા સિનવારે પોતાનું જીવન પેલેસ્ટાઇન માટે સમર્પિત કરવાનો નિર્ણય લીધો હતો.અમેરિકન-ઇઝરાયલી કો-ઑપરેટિવ એન્ટરપ્રાઇઝ (એઆઇસીઈ) સાથે સંલગ્ન ‘જુડશ વર્ચ્યુઅલ લાઇબ્રેરી’ની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી મુજબ યાહ્યાએ 1985માં હમાસની સિક્યોરિટી વિંગની સ્થાપના કરી હતી.સિક્યૉરિટી વિંગનું એક કામ એવા પેલેસ્ટિનિયનોને સજા આપવાનું પણ હતું જેઓ ઇઝરાયલ સાથે ભળેલા હોવાની શંકા અથવા આરોપ હોય.એવું કહેવાય છે કે યાહ્યા સિનવાર ઇઝરાયલની મદદ કરનારા શંકાસ્પદ પેલેસ્ટિનિયનોની હત્યા કરી દેતા હતા.આ કારણથી જ ઇઝરાયલમાં તેમને ‘ખાન યુનસના કસાઈ’ તરીકે ઓળખવામાં આવતા હતા.વર્ષ 1988માં યાહ્યાને બે ઇઝરાયલી સૈનિકોના અપહરણ અને હત્યાના આરોપ હેઠળ પકડવામાં આવ્યા.આ વખતે તેમને દોષી જાહેર કરાયા અને ચાર ઉંમરકેદની સજા સંભળાવાઈ. ત્યાર પછી તેમણે ઇઝરાયલની જેલમાં લગભગ 24 વર્ષ વીતાવ્યાં.
ઇઝરાયલ અંગે રણનીતિમાં સતત ફેરફાર
ઇઝરાયલની કેદમાંથી મુક્ત થયા પછી યાહ્યા સિનવાર વર્ષ 2017માં હમાસની રાજનૈતિક શાખાની ચૂંટણી જિત્યા હતા.પ્રોફેસર પાશા જણાવે છે કે ત્યારથી લઇને અત્યાર સુધી ઇઝરાયલ અંગે તેમની રણનીતિમાં સતત કોઈ ફેરફાર જોવા મળે છે. જોકે, એકંદરે તેમનું વલણ આક્રમક જ રહ્યું છે.એ. કે. પાશા જણાવે છે, “ચૂંટણી જિત્યા પછી તેમણે પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ મહમુદ અબ્બાસના વિચારો સાથે અસહમતી દર્શાવી હતી.યાહ્યાએ સ્પષ્ટ જણાવ્યું કે હમાસ ઇઝરાયલ સાથે કોઈ પણ પ્રકારની શાંતિ પ્રક્રિયા માટે તૈયાર નથી.” જોકે, ત્યાર પછી થોડા જ સમયમાં તેમણે મહમુદ અબ્બાસ સાથે વાતચીત શરૂ કરી દીધી. એટલું જ નહીં,તેમણે ગાઝામાં બનાવાયેલી વહીવટી સમિતિને પણ વિખેરી નાખી હતી.એ.કે. પાશા કહે છે કે મહમુદ અબ્બાસ સાથે વાતચીત પછી યાહ્યાનો સૂર થોડો નરમ પડ્યો હતો.
તેઓ જણાવે છે, “તે સમયે યાહ્યાએ હમાસના નેતા મોહમ્મદ દીફની રણનીતિને ફગાવી દીધી હતી જેમાં દીફે ભૂગર્ભ સુરંગો દ્વારા હમાસના સભ્યોને ઇઝરાયલમાં ઘુસાડવાનો પ્રસ્તાવ મુક્યો હતો.યાહ્યાએ કહ્યું હતું કે આવું કરવું આત્મહત્યા કરવા સમાન હશે.”
હમાસના કેટલાય મોટા નેતાઓ ખરેખર માર્યા ગયા છે?
ઇઝરાયલી સેનાએ ગયા સપ્તાહમાં હમાસના અનેક મોટા નેતાઓને મારી નાખ્યા હોવાનો દાવો કર્યો છે.જોકે, આ યાદીમાં યાહ્યા સિનવારનું નામ નથી.હરેન્દ્ર મિશ્રા કહે છે, “સામાન્ય રીતે ઇઝરાયલ હમાસના કોઈ મોટા નેતાને મારી નાખ્યા હોવાનો દાવો કરે અને તે અહેવાલ ખોટા હોય તો હમાસ કોઈ પણ રીતે તેનો રદિયો આપે છે. પરંતુ આ વખતે એવું નથી થયું.” આ વખતે હમાસના ઘણા મોટા નેતાઓને ખતમ કર્યાના ઇઝરાયલના દાવા અંગે હમાસે પ્રતિભાવ નથી આપ્યો.તેના કારણે એવી શક્યતા દર્શાવાય છે કે ઇઝરાયલી હુમલામાં કદાચ ખરેખર તેમનું મોત થયું છે.હરેન્દ્ર મિશ્રા કહે છે કે આટલી મોટી સંખ્યામાં પોતાના નેતાઓને ગુમાવવા એ હમાસ માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે.


