તેલઅવીવ (ઈઝરાયેલ) તા.20 : છેલ્લા કેટલાક દિવસથી ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલતા સંઘર્ષથી દુનિયા ટેન્શનમાં આવી ગઈ હતી ત્યાં રાહતના સમાચાર છે કે આ સંઘર્ષનો અંત આવે તેવા અણસાર છે.હમાસનાં નેતાઓના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં સીઝફાયર-યુધ્ધ વિરામનું એલાન થઈ શકે છે.જોકે આ મામલે ઈઝરાયેલ તરફથી કોઈ નિવેદન નથી આવ્યું.
ઈઝરાયેલ અને પેલેસ્ટાઈની ઉગ્રવાદી જુથ હમાસ વચ્ચેના છેલ્લા કેટલાંક દિવસથી ચાલતા સંઘર્ષનો અંત આવી શકે છે.આ જાહેરાત હમાસે કરી છે.વર્ષ 2014 બાદ ગાઝાપટ્ટી પર તાજેતરનાં સૌથી મોટા સંઘર્ષમાં ગાઝાપટ્ટીમાં 227 લોકો માર્યા ગયા હતા. જયારે ઈઝરાયેલમાં 12 લોકોના મૃત્યુ થયા છે.હમાસે ઈઝરાયેલ પર લગભગ ચાર હજાર રોકેટ છોડયા છે.જયારે ઈઝરાયેલની સેનાએ પણ સેંકડો હવાઈ અને જમીની હુમલા કર્યા છે.
દરમ્યાન અમેરીકાએ બુધવારે જણાવ્યું હતૂં કે તે સંયુકત રાષ્ટ્રનાં સીઝ ફાયરનાં પ્રસ્તાવનો વિરોધ કરે છે.તો બીજી બાજુ અમેરીકી રાષ્ટ્રપતિ બાઈડનની અપીલ છતાં ઈઝરાયેલનાં વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુએ ગાઝાપટી પર સૈન્ય અભિયાન ચાલુ રાખવાનો સંકલ્પ લીધો હોવાનું માનવામાં આવી રહ્યું છે.યુદ્ધ વિરામની આ વાતો વચ્ચે ઈઝરાયેલે બુધવારે ગાઝા પર હવાઈ હુમલા ચાલુ રાખ્યા છે.જયારે પેલેસ્ટાઈન ઉગ્રવાદીઓએ પણ ઈઝરાયેલ પર આખો દિવસ રોકેટ ફેંકયા હતા.આ દરમ્યાન લેબનોનમાંથી પણ ઉતરી ઈઝરાયેલમાં રોકેટ ફાયર કરાયા હતા.ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ સૈન્ય મુખ્યાલયની મુલાકાત દરમ્યાન જણાવ્યું હતું કે અમે અમેરીકાનાં રાષ્ટ્રપતિના સહયોગની પ્રસંસા કરીએ છીએ.ઈઝરાયેલના લોકોની શાંતિ અને સુરક્ષા પુન:મેળવવા અભિયાન ચાલુ રાખશે અભિયાનનું લક્ષ્ય પુરૂ ન થાય ત્યાં સુધી અભિયાન ચાલૂ રહેશે.


